જેતપુરના બોરડી સમઢીયાળાની યુવતી સાથે બે મહિના પૂર્વે પ્રેમલગ્ન કરનાર યુવકે પત્નીના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી લેતા ચકચાર મચી જવા પામી હતી. પત્નીએ છૂટાછેડાના બદલામાં પૈસાની માંગણી કરી હેરાનગતિ શરૂ કરતા યુવકે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે માવજીંજવા ગામના મધુભાઇ મેધજીભાઇ રાઠોડ (ઉ.વ.૬૦) એ જાહેર કર્યા મુજબ, તેમના પુત્ર વિનોદભાઈએ આશરે બે-અઢી મહિના પહેલા પોતાના જ સમાજની કોમલબેન (રહે. બોરડી સમઢીયાળા, તા.જેતપુર) સાથે ફૂલહાર કરી લગ્ન કર્યા હતા. કોમલબેન તેમના અગાઉના લગ્નથી થયેલા બે સંતાનો સાથે વિનોદભાઈના ઘરે રહેવા આવ્યા હતા. જોકે, થોડો સમય વિનોદભાઈ સાથે રહ્યા બાદ તેઓ પોતાના પિયર પરત ફર્યા હતા. પિયર ગયા બાદ કોમલબેને વિનોદભાઈ પાસે છૂટાછેડા લેવા માટે પૈસાની માંગણી શરૂ કરી હતી. પત્ની દ્વારા અવારનવાર પૈસા માટે દબાણ કરી માનસિક રીતે હેરાન કરવામાં આવતા વિનોદભાઈ અત્યંત આઘાતમાં સરી પડ્‌યા હતા. આ સતત થઈ રહેલી હેરાનગતિથી કંટાળીને અંતે વિનોદભાઈએ ઝેરી દવા પીને પોતાની જીવનલીલા સંકેલી લેવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક અસરથી બગસરાની સુજલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના અંગે વિનોદભાઈના પિતાએ પોલીસને જાણ કરતા પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી હતી.