પંજાબમાં કેજરીવાલ આણિ મંડળીએ પડદા પાછળ નહીં પરંતુ પડદા પરથી જ શાસન કરવા જે કર્યું છે તેની ક્યાંય ચર્ચા નથી, તે માટે આઆપના મીડિયા મેનેજમેન્ટને વખાણવું પડે. મુખ્ય પ્રધાન ભગવંત માને તેમના મુખ્ય પ્રધાન તરીકેની સત્તા મુખ્ય સચિવને આપી દીધી છે ! એટલે કે મુખ્ય સચિવ દ્વારા કેજરીવાલ શાસન કરશે. મુખ્ય સચિવને સઘળાં સ્થાનિક વિકાસ બાર્ડના અધ્યક્ષ બનાવી દેવાયાં છે. તેના માટે ૧૯૯૫ના કાયદા- પંજાબ પ્રાદેશિક અને શહેરી આયોજન અને વિકાસ અધિનિયમમાં સુધારો પણ કરવામાં આવ્યો છે.
‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના ૨૨ જૂન ૨૦૨૫ના અહેવાલ પ્રમાણે, આ નિર્ણય પહેલાં ભગવંત માન પ્રધાનમંડળે લુધિયાણામાં ૨૪,૩૧૧ એકર અને મોહાલી પાસે ૬,૨૮૫ એકર જમીન સંપાદિત કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાં અર્બન એસ્ટેટ બનશે. પરંતુ પંજાબમાં રાજકીય વર્તુળોમાં ચર્ચા એવી છે કે આ નિર્ણય ભ્રષ્ટાચાર માટે કરાયો અને તે પછી ભગવંત માને પોતાની સત્તા મુખ્ય સચિવને આપી દીધી છે.
તો શું ભગવંત માને આ ઉત્તરદાયિત્વ એટલા માટે મુખ્ય સચિવને આપી દીધું કે જેથી ભવિષ્યમાં કંઈ કૌભાંડ બહાર આવે અને ઇડી-સી.બી.આઈ.ના દરોડાના દોરડા પડે તો ગાળિયો પોતાના ગળામાં ન આવે?
જોકે રાજ્યના નાણા પ્રધાને ઉપરોક્ત નિર્ણયનો જે બચાવ કર્યો છે તેમાં તો તેમની જ સરકારને લજ્જિત થવું પડે તેવું છે. નાણા પ્રધાન હરપાલસિંહ ચીમાએ કહ્યું કે “મુખ્ય પ્રધાન અલગ-અલગ શહેરોના વિકાસ મંડળના અધ્યક્ષ છે. પરંતુ તેમના વ્યસ્ત સમયપત્રકના કારણે કામમાં વિલંબ થતો હતો. આ નિર્ણયથી પ્રક્રિયાઓ સરળ બનશે અને સમયસર નિર્ણય લેવાશે.”
પ્રશ્ન એ છે કે એક નાનકડા રાજ્ય પંજાબના મુખ્ય પ્રધાન એવા તે કેવા વ્યસ્ત છે કે તેમણે પોતાની સત્તા તેમના સચિવને આપી દેવી પડે? પંજાબમાં અગાઉ ભાજપ સાથે સત્તામાં રહી ચૂકેલા શિરોમણિ અકાલી દળે આ નિર્ણયને “ગેરકાયદે, ગેરબંધારણીય અને આપખુદ” ગણાવ્યો છે. તેણે કહ્યું કે આનાથી ન માત્ર, મુખ્ય પ્રધાન, પરંતુ કેબિનેટ પ્રધાનોની સત્તા પણ નબળી પડશે.
આ ઉપરાંત, ગત ૭ જુલાઈના ‘ટાઇમ્સ આૅફ ઇન્ડિયા’ના એક અહેવાલ પ્રમાણે, દિલ્લીમાં ચૂંટણી હારવાના કારણે નવરા પડેલા મનીષ સિસોદિયા અને વિજય નાયર હવે કેજરીવાલ પછી પંજાબમાં નવાં સત્તા કેન્દ્રો બની ગયાં છે. તેમને પંજાબનો પ્રભાર સોંપાયો છે તેમ કહી કેટલાક આઆપ ચાટુકારો તેનો બચાવ કરે છે પરંતુ પ્રભાર એક જ જણને સોંપાતો હોય છે અને તેમાં પક્ષનો પ્રભાર હોય છે, સરકારનો પ્રભાર રાજ્યના કે રાજ્યની બહારના કોઈ પ્રભારને નહીં.
જ્યારે ‘ટાઇમ્સ આૅફ ઇન્ડિયા’ના અહેવાલ પ્રમાણે, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને વિજય નાયર વચ્ચે તો મંત્રાલયો વહેંચવામાં આવ્યાં છે. સિસોદિયા પાસે નાણાં અને શિક્ષણ ખાતાં છે તો સત્યેન્દ્ર જૈન પાસે આરોગ્ય અને સામાજિક કલ્યાણ. દિલ્લીમાં દારૂ કૌભાંડના આરોપી વિજય નાયર જે આઆપના સંદેશાવ્યવહારના પ્રમુખ છે, તે પણ પંજાબમાં સત્તાકેન્દ્ર બની ગયા છે. તેનું ઉદાહરણ એ છે કે તાજેતરમાં યોજાયેલી લુધિયાણા પશ્ચિમની પેટાચૂંટણીમાં વિજય નાયરે મુખ્ય પ્રધાન ભગવંત માનની સાશિયલ મીડિયા ટીમના એક-બે નહીં પરંતુ પૂરા આઠ સભ્યોને ત્યાગપત્ર આપવા આદેશ આપ્યા અને તેમના આદેશનું પાલન પણ કરાયું !
જોકે આના કારણે પંજાબના આઆપ એકમ અને દિલ્લી એકમ વચ્ચે શીતયુદ્ધ પણ ચાલુ થયું છે. વિજય નાયરે ભગવંત માનની સાશિયલ મીડિયા ટીમના આઠ સભ્યોનો ભોગ લીધો તો સામા પક્ષે પંજાબ એકમે નાયરની ટીમના બે સભ્યોનો ! અને આક્ષેપ હતો ભ્રષ્ટાચારનો ! પંજાબના એકમને લાગે છે કે દિલ્લીવાળા અહીં આવીને આદેશ શેના આપી જાય? વળી, આ પક્ષ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી તો ઊભો થયો હતો એટલે પંજાબ એકમના કાર્યકર્તાઓને સ્વાભાવિક જ લાગે છે કે આ પક્ષ એ નથી જેના માટે એની સ્થાપના થઈ હતી.
પક્ષના પૂર્વ પ્રવક્તા ઇકબાલસિંહ કહે છે કે “જો તમે પંજાબના બાર્ડ અને કમિશનો જોશો તો તમને જણાશે કે તેમાં દિલ્લીના જ લોકોને સલાહકાર તરીકે ભરવામાં આવ્યા છે.” ઇકબાલસિંહની જેમ જ આઆપના પંજાબ મહિલા મોરચાનાં પૂર્વ અધ્યક્ષા પ્રીતિ મલ્હોત્રા પણ દિલ્લીના નેતાઓના હસ્તક્ષેપથી અપ્રસન્ન છે. પ્રીતિ મલ્હોત્રાને કાઢીને તેમની જગ્યાએ દિલ્લીના નેતાઓએ ધારાસભ્ય અમનદીપ કૌરને મૂક્યાં છે. પ્રીતિ મલ્હોત્રા કહે છે કે “દિલ્લીના લોકો નિર્ણય લઈ રહ્યા છે. હવે તો અમને એવું લાગવા લાગ્યું છે કે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન ડમી મુખ્ય પ્રધાન છે. જો આ જ સ્થિતિ ચાલુ રહી તો પક્ષ ઇતિહાસ બની જશે.” તેમના નેતૃત્વમાં ગયા મહિને પંજાબમાં એક વિરોધ પ્રદર્શન પણ નીકળ્યું હતું જેમાં દિલ્લીના આઆપના નેતાઓના હસ્તક્ષેપનો વિરોધ કરાયો હતો.
પરંતુ પ્રીતિ મલ્હોત્રાનો વાંક શું હતો કે તેમને પંજાબ આઆપના મહિલા મોરચાનાં અધ્યક્ષા તરીકે દૂર કરાયાં? પ્રીતિ મલ્હોત્રાએ કંઈ ઉપરોક્ત વિરોધ પ્રદર્શન તેમને કાઢી મૂક્યા તેટલે શરૂ કર્યું તેવું નથી. તેમણે આ અભિયાન તો તે પહેલાં શરૂ કર્યું હતું. આ પહેલાં ભગવંત માન સરકારે આઆપનાં રાષ્ટ્રીય પ્રવક્તા રીના ગુપ્તને પંજાબ પ્રદૂષણ નિયંત્રણ બાર્ડનાં અધ્યક્ષા તરીકે ગત મે મહિનામાં નિયુક્ત કર્યાં તે પછી પ્રીતિ મલ્હોત્રાએ ‘યુદ્ધ દિલ્લી વિરુદ્ધ’ અભિયાન શરૂ કર્યું. બસ, આ જ કારણે તેમને દૂર કરાયાં. રીના ગુપ્ત સહિત દિલ્લીનાં અનેક નેતાની આવી નિયુક્તિ પંજાબમાં થઈ છે.
પરંતુ પ્રીતિ મલ્હોત્રા એકલાં નથી જેઓ કેજરીવાલ આણિ મંડળીના હસ્તક્ષેપનો વિરોધ કરતા હોય. આઆપના પંજાબના દિબ્રા મંડળના પ્રમુખ ઇન્દરજિતસિંહ મૌદગિલે પણ પક્ષની નીતિઓના વિરોધમાં પક્ષ છોડી દીધો છે. તેઓ કહે છે, “અમે આઆપની સરકાર બનાવવા તનતોડ મહેનત કરી છે. મેં પક્ષને મજબૂત બનાવવા મારા ખિસ્સામાંથી રૂ. ૧૦ લાખ ખર્ચ્યા છે. દુઃખની વાત છે કે આઆપના દિલ્લીના નેતાઓની પંજાબ સરકારમાં મહ¥વનાં વિવિધ પદો પર નિયુક્તિઓ થઈ રહી છે. અમે વીરગત ભગતસિંહના જન્મસ્થાન ખટકર કલાં જઈ પરિવર્તન લાવવામાં નિષ્ફળતા માટે ક્ષમા માગીશું.”
નિયુક્તિઓ થાય એટલે બંગલા તો જોઈએ જ. દિલ્લીમાં સાદા સરકારી બંગલામાં રહેવાનું વચન આપી ભવ્ય શીશમહલ બનાવનાર આઆપ નેતાઓ પંજાબમાં પ્રધાનોના સરકારી બંગલાઓમાં પડ્યા-પાથર્યા રહે છે. ‘ધ ઇકાનામિક ટાઇમ્સ’ના ૭ જુલાઈ ૨૦૨૫ના અહેવાલ પ્રમાણે, તેમના પત્રકારો પંજાબમાં ગયા તો, ૯૨૬ ક્રમાંકના બંગલા બહાર ચોકી કરતા રક્ષકે તેમને કહ્યું, “આ સત્યેન્દ્ર જૈનની કોઠી છે. (દિલ્લી-પંજાબમાં બંગલાને કોઠી કહે છે.) સિસોદિયાજી ૯૬૦માં રહે છે.” પરંતુ જો તમે ૯૬૦ ક્રમાંકના બંગલા પાસે જાવ તો ત્યાં નામ પટ્ટી રવજોતસિંહની છે અને ત્યાંના એક કર્મચારીએ પુષ્ટિ કરી કે હા, સિસોદિયાજી અહીં રહે છે.
પરંતુ આ બંગલાથી દિલ્લીના નેતાઓને સંતોષ નથી. એટલે રવજોતસિંહના બંગલાનું રિનાવેશન કરાવાયું. રિનાવેશન પૂરું થયા પછી રવજોતસિંહ બંગલામાં રહેવા જવાના હતા ત્યાં પક્ષે તેમને નિર્દેશ આપ્યો કે તે સિસોદિયાને આપી દો.
દિલ્લીની નેતાગીરીએ પંજાબના આઆપનો કબજો લેવામાં જરીકેય વાર નહોતી કરી. ગત આઠ ફેબ્રુઆરીએ દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય પ્રધાન કેજરીવાલ સહિત પક્ષનો ભૂંડો પરાજય થયો પછી દોઢ જ મહિનામાં એટલે કે ૨૧ માર્ચે મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનને અનુક્રમે પંજાબના પ્રભારી અને સહપ્રભારી ઘોષિત કરી દેવાયા.
દિલ્લીના નેતાઓના આગમન બાદ હોય કે ગમે તેમ, પરંતુ પંજાબમાં ભ્રષ્ટાચાર ખૂબ જ વધી ગયો છે. ‘ધ ઇકાનામિક ટાઇમ્સ’ના અહેવાલ પ્રમાણે, લુધિયાણા સ્થિત હાઝિયરી એકમના એક સ્વામીએ કહ્યું, “ભ્રષ્ટાચાર ચારથી પાંચ ગણો વધી ગયો છે. પહેલાં અમારા વેપારીઓ પ્રમાણપત્રો અને અનુમતિઓ ઝડપથી મળે તે માટે લાયેઝન પર્સન મની (લાંચનું રૂપાળું નામ) ચૂકવતા હતા. હવે આ વ્યક્તિ પચાસ ટકા વધુ રકમ માગે છે.”
અને નવાઈની વાત એ છે કે આઆપના પંજાબના પ્રવક્તા અને પંજાબ મધ્યમ ઉદ્યોગ વિકાસ મંડળના અધ્યક્ષ નીલ ગર્ગ આને નકારતા નથી. તેનો બચાવ કરે છે. તેઓ કહે છે કે “ભ્રષ્ટાચાર કરવો હવે અઘરો બની ગયો હોવાથી, ભાવ વધી ગયા હશે !”
ગત જૂનમાં પંજાબમાં વેપારીઓ માટે ફાસ્ટ ટ્રેક વેબસાઇટને ઉદ્ઘાટિત કરવામાં આવી. સ્વાભાવિક જ તેમાં અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત હતા. તેમણે ભાષણમાં પોતે સ્વીકાર્યું, “કુછ પ્રપાઝલ કો મૈંને ઔર માનસાહબને પર્સનલી ફાલો કિયા. જૈસે એક મૈં ઍક્ઝામ્પલ દેતા” આવું કહ્યા પછી ફાલાનો અર્થ લોકો હસ્તક્ષેપ ન કરી બેસે એટલે તેમણે કહ્યું, “હમને ઇન્ટરવીન નહીં કિયા. હમ ચાહતે તો ફાન કર દેતે. કામ દો મિનટ મેં હો જાતા ઉસકા. હમને ફાલો કિયા એક આદમી ઇન્વેસ્ટમેન્ટ કરને કે લિયે દેઢ સે દો સાલ પહેલે ઉસને પંજાબ મેં એપ્લાય કિયા. આજ તક (જૂન ૨૦૨૫ સુધી) નહીં મિલા ઉસકો ઇસ કા એપ્રૂવલ. દેઢ સાલ હો ગયે ઉસ કો. વો થકકર યૂપી ચલા ગયા. યૂપી મેં ઉસને અપની ફૅક્ટરી લગા લી. પંજાબ મેં નહીં લગાઈ.”
આનો અર્થ શું નીકળે? પંજાબમાં મૂડીરોકાણ કરવા ઉદ્યોગપતિઓ ઇચ્છુક છે પરંતુ તેમને અનુમતિ મળવામાં બે-બે વર્ષ નીકળી જાય છે. અને ત્યાંથી ક્યાં જાય છે? યોગી આદિત્યનાથ શાસિત ઉત્તર પ્રદેશમાં. આ વાત કેજરીવાલ પોતે કહે છે. અને પાછા પોતાની બડાઈ હાંકવા અને મુખ્ય પ્રધાન ભલે ભગવંત માન હોય, પરંતુ સુપર સીએમ તો પોતે છે તેવું બતાવવા, સત્તાવાર કાર્યક્રમમાં પોતાનું નામ આગળ બોલે છે, “મૈંને ઔર માનસાહબને”
‘ટ્રિબ્યૂન ઇન્ડિયા’ના ૯ જુલાઈ ૨૦૨૫ના અહેવાલ પ્રમાણે, લુધિયાણાના ઉદ્યોગપતિઓએ આગામી પાંચ વર્ષમાં મધ્ય પ્રદેશમાં કામકાજને વધારવા માટે કુલ રૂ. ૧૫,૦૦૦ કરોડના મૂડીરોકાણની ઘોષણા કરી છે. આ ઘટનાક્રમ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવની લુધિયાણા મુલાકાત બાદ થયો છે. ક્યાંક ઉદ્યોગપતિ પોતે જ ઉત્તર પ્રદેશ જતા રહે છે, ક્યાંક મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન આવીને મૂડીરોકાણ આકર્ષી જાય છે.
આમ આદમી પક્ષે જ જેમને પંજાબમાંથી રાજ્યસભામાં સાંસદ બનાવ્યા છે તેવા વિક્રમસિંહ સાહની પોતે પણ પંજાબમાંથી ઉદ્યોગપતિઓના ઉચાળા ભરીને ચાલ્યા જવાથી ચિંતિત છે. તેઓ કહે છે, “પંજાબે રાજ્યની અંદર મજબૂત ઇકાસિસ્ટમ બનાવવી પડશે. વિશ્વ કક્ષાનું આંતરમાળખું, ઔદ્યોગિક ક્ષેત્રો વગેરે બનાવવાં પડશે.” અર્થાત્ ત્રણ વર્ષના શાસનમાં ભગવંત માને કેજરીવાલ સાથે અલગ-અલગ રાજ્યોના ચૂંટણી પ્રવાસનો ખર્ચ ઉપાડવા માટે તેમની સાથે પ્રવાસ કરવા સિવાય કંઈ નક્કર કર્યું હોય તેવું તેમના જ પક્ષના લોકોને નથી લાગતું.
એમએસએમઇ ઍક્સપાર્ટ પ્રમાશન કાઉન્સિલ અને કાન્ફિડરેશન આૅફ આૅર્ગેનિક ફૂડ પ્રાડ્યૂસર્સ ઍન્ડ માર્કેટિંગ ઍજન્સીસ (સીઓઆઈઆઈ)ના એક અભ્યાસ પ્રમાણે, પંજાબને વર્ષ ૨૦૨૧-૨૨માં રૂ. ૨૩,૬૫૫ કરોડનું મૂડીરોકાણ મળ્યું હતું, જે ૮૫.૨૩ ટકા ઘટીને વર્ષ ૨૦૨૨-૨૩માં રૂ. ૩,૪૯૨ કરોડ થઈ ગયું. માન્યું કે આઆપ સરકારને આટલા સમયમાં હજુ એક જ વર્ષ થયું હતું, પરંતુ યથાર્થમાં તો નવી (અને આઆપના દાવા પ્રમાણે ચોખ્ખી) સરકાર હોય તો મૂડીરોકાણ વધવું જોઈએ, તેના બદલે ૮૫ ટકા ઘટ્યું.
‘ટ્રિબ્યૂન ઇન્ડિયા’ના ૨૭ માર્ચ ૨૦૨૫ના અહેવાલ પ્રમાણે, ‘રાજ્યનું અર્થતંત્ર ૨૦૨૨-૨૩થી અધોગતિ તરફ છે. કૃષિ અને ઔદ્યોગિક બંને રીતે વિકાસ દર ઘટી રહ્યો છે.”
અને કેજરીવાલ પંજાબમાં પણ દિલ્લી જેવું જ કરે છે. લોકોને ભડકાવે છે. ગયા વર્ષે ચૂંટણી દરમિયાન “અમિત શાહે પંજાબની આઆપ સરકારને ઉથલાવી નાખવાની ધમકી આપી” તેમ કહી તેમણે કહ્યું હતું, “અમિત શાહજી ઇતના ગુમાન મત કરો, પંજાબી અપની બાત પર ઉતર આયે તો મુશ્કિલ હો જાયેગી”, “મોદીજીને કહા કિ મૈં અપની મા કી કોખ સે પૈદા નહીં હુઆ, મૈં ઇસ પૃથ્વી પર પ્રકટ હુઆ હૂં”. હવે અમિત શાહ પણ જાણે છે કે પંજાબમાં ભાજપનું પાંચિયુંય ઉપજતું નથી. તો તેઓ સરકારને કેવી રીતે પાડવાના હતા. કેજરીવાલના દાવા પ્રમાણે, ઈડીના દરોડા પડાવીને પણ સરકાર પડે નહીં. બીજું કે મોદીજીએ એમ કહ્યું હતું કે તેઓ જે કામો કરી રહ્યા છે, જેનો શ્રેય તેમને મળી રહ્યો છે, તેના માટે ઈશ્વરે તેમને નિમિત્ત બનાવ્યા છે. આ તો કોઈ પણ નમ્ર અને આધ્યાત્મિક ઊંચાઈવાળી વ્યક્તિ કહેતી હોય છે. કલાકારો પણ એમ કહેતા હોય છે કે કેમેરા સામે ગયા પછી કોઈક એવી શક્તિ આવી જાય છે જે તેમની પાસે અભિનય કરાવે છે. લેખકો પણ કહેતા હોય છે કે ઘણી વાર કંઈ ન સૂજતું હોય પણ લખવા બેસીએ ત્યારે કોઈક અગમ્ય શક્તિ સ્ફૂરણા કરાવે છે. અને મોદીજીએ એમ તો નહોતું જ કહ્યું કે તેઓ તેમની માની કોખમાંથી જન્મ્યા નથી.
પરંતુ માત્ર મોદીજી વિરુદ્ધ જ જૂઠાણાં ફેલાવાય છે તેવું નથી. પંજાબના વિપક્ષના નેતા અને કાંગ્રેસી પ્રતાપસિંહ બાજવાએ એફઆઈઆર કરી આરોપ મૂક્યો છે કે આઆપ અને તેના નેતાઓએ એવો નકલી વીડિયો બનાવ્યો છે જેમાં એવો અર્થ નીકળે છે કે તેઓ અકાલી દળના ધરપકડ કરાયેલા નેતા બિક્રમસિંહ મજિઠિયાનું સમર્થન કરે છે.