પાણીને લઈને પંજાબ અને હરિયાણા વચ્ચે તણાવ છે. ગઈકાલે (શુક્રવારે) ગૃહ મંત્રાલયમાં લગભગ દોઢ કલાક ચાલેલી બેઠક બાદ પણ બંને રાજ્યો વચ્ચે આ મુદ્દો ઉકેલાઈ શક્યો ન હતો. આ દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, “પંજાબમાં પાણી માટે લોકોની હત્યા થાય છે, તો પછી આપણે આપણી સંમતિ વિના આપણું પાણી કેવી રીતે આપી શકીએ?”
પંજાબના જલંધરમાં એક કાર્યક્રમ દરમિયાન સીએમ માનએ કહ્યું, ‘પંજાબમાં લોકો દાતરડા અને કુહાડી લઈને ખેતરોમાં જાય છે.’ પંજાબમાં પાણી માટે હત્યાઓ થાય છે અને તમે અમને પૂછ્યા વિના, અમારી સહી વિના અમારા ઘરે આવી રહ્યા છો, અમે ના પાડી રહ્યા છીએ, અમે સંમત નથી અને તમે અમને લોધી-નાંગલના પાણીના દરવાજા ખોલવાનું કહી રહ્યા છો. શું તમે અમારી પાસેથી બળજબરીથી પાણી લઈ લેશો?…ભાઈઓ, આ કામ નહીં કરે.
દરમિયાન, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની કહે છે કે પંજાબ તેના ફાળવેલ હિસ્સા કરતાં ઘણું વધારે પાણી વાપરી રહ્યું છે અને બીજી તરફ, હરિયાણાને તેના ફાળવેલ હિસ્સા કરતાં ૧૭% ઓછું પાણી મળી રહ્યું છે. તેમણે કહ્યું, ‘ભગવંત માનની સરકાર ફક્ત તથ્યોને વિકૃત કરીને લોકોને મૂંઝવણમાં મૂકવાનો પ્રયાસ કરી રહી છે.’ હરિયાણાના ઘણા જિલ્લાઓમાં પીવાના પાણીની સમસ્યા છે, જા સીએમ માન પાણી બંધ ન કર્યું હોત તો આ સમસ્યા ઊભી ન થાત. તેમણે કહ્યું કે માનનું આ વલણ માત્ર હરિયાણા માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ખોટું ઉદાહરણ રજૂ કરે છે. શુક્રવારે યોજાયેલી બેઠકમાં પણ પાણી વિવાદ અંગે બંને વચ્ચે કોઈ સર્વસંમતિ થઈ શકી ન હતી. બેઠકમાં, પંજાબ પહેલાની જેમ માત્ર ૪,૦૦૦ ક્યુસેક પાણી આપવા સંમત થયું, જ્યારે હરિયાણા ૮,૫૦૦ ક્યુસેક પાણીની માંગ પર અડગ રહ્યું. ગૃહ મંત્રાલયમાં ગૃહ સચિવ સાથેની બેઠકમાં હાજરી આપનારા પંજાબના એસીએસ આલોક શેખરે મુખ્યમંત્રી ભગવંત માનના ઈરાદા વિશે માહિતી આપી.
વાસ્તવમાં, ભાખરા ડેમના પાણીને લઈને પંજાબ અને હરિયાણા વચ્ચે વિવાદ ઉભો થયો છે. આ કારણે બંને રાજ્યોની સરકારો સામસામે આવી ગઈ છે અને એકબીજા પર દોષારોપણ કરી રહી છે. બીબીએમબીએ પંજાબ અંગે નિર્ણય આપ્યો છે કે તેણે હરિયાણાને વધારાનું પાણી આપવું જોઈએ. જોકે, સીએમ માનએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમની પાસે હરિયાણા કે અન્ય કોઈ રાજ્યને આપવા માટે વધારાનું પાણી નથી.
ભાખરા ડેમમાંથી હરિયાણાને આપવામાં આવતા પાણીની માત્રા ઘટાડીને ૪,૦૦૦ ક્્યુસેક કરવામાં આવતા બંને રાજ્યો વચ્ચે પાણી અંગેનો વિવાદ શરૂ થયો. ૨૩ એપ્રિલના રોજ, બીબીએમબીની ટેકનિકલ સમિતિએ હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનને પાણી છોડવાનો નિર્ણય લીધો હતો. આ અંગે પંજાબ સરકારનું કહેવું છે કે તેણે માનવતાના ધોરણે હરિયાણાને મર્યાદિત માત્રામાં પાણી આપ્યું હતું, પરંતુ હવે વધારાના પાણીની માંગ કરવી યોગ્ય નથી.
હરિયાણા સરકારનું કહેવું છે કે ભાખરા ડેમમાં પાણીનું સ્તર ઊંચું છે અને જો તેને સમયસર દૂર કરવામાં નહીં આવે તો વરસાદ દરમિયાન વધારાનું પાણી પડોશી દેશ પાકિસ્તાનમાં જશે, જેનાથી રાષ્ટ્રીય નુકસાન થશે. મુખ્યમંત્રી સૈનીએ એમ પણ કહ્યું કે પાણી એ કોઈ એક રાજ્યની મિલકત નથી પરંતુ એક કુદરતી સંસાધન છે જેના પર દરેકનો અધિકાર છે.