સુપ્રીમ કોર્ટે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના આદેશને માન્ય રાખતા કહ્યું છે કે પંચાયત ચૂંટણીના ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રોમાં તેમની સામેના પડતર કેસોની માહિતી પણ આપવી જરૂરી છે. ન્યાયાધીશ સૂર્યકાંત અને એન. કોટિશવર સિંહની બેન્ચે હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના આદેશને સમર્થન આપ્યું અને ગામના વડાની ચૂંટણી રદ કરી. મામલો મંડી જિલ્લાની પંગના ગ્રામ પંચાયત સાથે સંબંધિત છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું, ‘અમને હાઇકોર્ટના આદેશને પડકારતી અરજી જાળવવા યોગ્ય લાગતી નથી, કારણ કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા બનાવેલા નિયમોને હાઇકોર્ટ દ્વારા ગૌણ કાયદાના ભાગ રૂપે ગણવામાં આવ્યા છે.’ કાયદા હેઠળ, પંચાયત ચૂંટણી લડતા ઉમેદવારોએ પણ તેની જાગવાઈઓનું પાલન કરવું જરૂરી છે. અગાઉ ૧૬ ઓક્ટોબર, ૨૦૨૪ ના રોજ, હાઈકોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે ‘તથ્યો છુપાવવા એ હિમાચલ પ્રદેશ પંચાયતી રાજ અધિનિયમ, ૧૯૯૪ ની જોગવાઈઓનું ઉલ્લંઘન છે. ચૂંટણીને અમાન્ય જાહેર કરવા માટે આ એક કાયદેસરનું કારણ હોઈ શકે છે.’
હાઇકોર્ટે પ્રધાન બસંત લાલની ચૂંટણી રદ કરવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં, હાઈકોર્ટે પેન્ડીંગ કેસ છુપાવવાના આરોપસર બસંત લાલને છ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ પણ લગાવ્યો હતો. આ આદેશ સામે બસંત લાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો પરંતુ ઉમેર્યું હતું કે બસંત લાલને તે કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે જેમાં તેમના પર મામલો છુપાવવાનો આરોપ હતો. આવી સ્થિતિમાં, છ વર્ષનો પ્રતિબંધ કડક છે.
ઉલ્લેખનીય છે કે બસંત લાલ ૧૭ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ પ્રધાન તરીકે ચૂંટાયા હતા, પરંતુ ત્રીજા સ્થાને રહેલા જીતેન્દ્ર મહાજને બસંત લાલની ચૂંટણી સામે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી દાખલ કરી હતી અને તેમના પર નોમિનેશન ફોર્મમાં પેન્ડીંગ કેસોની માહિતી છુપાવવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે આરોપો સાબિત થયા, ત્યારે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે ચૂંટણી રદ કરી. બસંત લાલે આની વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી, પરંતુ ત્યાં પણ તેમને નિરાશા મળી.