અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક એક કાળજુ કંપાવતો દુઃખદ અકસ્માત બન્યો છે. જ્યાં આઈસર ટ્રકનું ટાયર બદલતી વખતે જેક છટકી જતાં સામાન ભરેલો આખેય આખો આઇસર ટ્રક ડ્રાઈવર પર પડ્યો હતો. ઘટના એટલી ગંભીર હતી કે, ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જેથી અન્ય ડ્રાઈવરો માટે પણ આ કિસ્સો ચેતવણીરૂપ બન્યો છે, જેને હાલ સ્થાનિક વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ગઈકાલે રાત્રીના સમયે ૨ વાગ્યાની આસપાસ બની હતી અને પ્લાયવૂડની સીટો ભરેલી આઈસર ટ્રક વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી. દરમિયાન નડિયાદ નજીક બિલોદરા ગામ પાસે ટ્રકનું ટાયર પંચર થયું હતું. જેથી ટાયર બદલવા માટે ડ્રાઈવરે ટ્રકને જેક વડે ઉંચકી હતી, પરંતુ અચાનક જેક છટકી જતાં આઈસર ટ્રકનું આખું વજન ડ્રાઈવર પર પડ્યું હતું. જેના કારણે ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું છે.
ઘટનાની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડ, ૧૦૮ એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનો અને ક્રેનની મદદથી મૃતક ડ્રાઈવરનો મૃતદેહ ટ્રક નીચેથી બહાર કાઢવામાં આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનાએ ફરી એકવાર રસ્તા પર વાહનોની સલામતી અને જેકના ઉપયોગ દરમિયાન યોગ્ય સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ખાસ કરીને હાઈવે પર ટાયર બદલતા સમયે બનેલી આ ઘટના અત્યંત ગંભીર છે. જેને તમામ વાહનચાલકોને હચમચાવીને મુકી દીધા છે.
તો ભોગબનનાર ડ્રાઈવરના પરિવારમાં પણ શોકનો માહોલ સર્જાયો છે. આ મામલે હાલ પોલીસે અને સ્થાનિક વહીવટીતંત્રએ આગળની કાર્યવાહી શરૂ કરી, જરૂરી તપાસ હાથ ધરી છે. જેથી ભવિષ્યમાં આવી દુઃખદ ઘટનાઓ બનતા અટકાવી શકાય.








































