બાંગ્લાદેશી વિદ્યાર્થીઓના દબાણમાં આ અઠવાડિયે હાઈકોર્ટના લગભગ ૧૦ જજા પર પ્રતિબંધ મૂકનાર સુપ્રીમ કોર્ટે આ વખતે દેશની સંસદમાંથી મોટો અધિકાર છીનવી લીધો છે. જેના કારણે બાંગ્લાદેશમાં ખળભળાટ મચી ગયો છે. દેશની સુપ્રીમ કોર્ટે પણ ન્યાયિક ગેરવર્તણૂકના આરોપોની તપાસ કરવાની સત્તા સાથે સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સીલને પુનઃસ્થાપિત કરી હતી. સર્વોચ્ચ અદાલતે તેના અગાઉના નિર્ણયને પણ સમર્થન આપ્યું હતું, જેણે ૧૬મા બંધારણીય સુધારાને “ગેરકાયદેસર” જાહેર કર્યો હતો, જેના હેઠળ ન્યાયાધીશોને હટાવવાનો અધિકાર સંસદને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે હવે સંસદમાંથી આ અધિકાર પાછો ખેંચી લીધો છે.
સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ સુનાવણીમાં હાજર રહેલા સુપ્રીમ કોર્ટના વકીલ રૂહુલ કુદ્દુસે પત્રકારોને જણાવ્યું હતું કે, મુખ્ય ન્યાયાધીશ સૈયદ રેફાત અહેમદની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટના એપેલેટ ડિવિઝનની છ સભ્યોની બેન્ચે આ આદેશ આપ્યો હતો તેમણે કહ્યું કે આ નિર્ણયથી મૂળભૂત બંધારણીય જાગવાઈઓ મજબૂત થઈ છે. આ નિર્ણય ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના શાસન દરમિયાન પસાર કરવામાં આવેલા ૧૬મા બંધારણીય સુધારાને પણ રદ્દ કરવા સમાન છે, જેના હેઠળ ન્યાયાધીશોને મહાભિયોગ કરવાનું કામ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની બનેલી સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સીલને બદલે સંસદને સોંપવામાં આવ્યું હતું.
બાંગ્લાદેશનો સોળમો સુધારો જાન્યુઆરી ૨૦૧૪ માં પસાર કરવામાં આવ્યો હતો, જેણે અયોગ્યતા અથવા ગેરવર્તણૂક માટે ન્યાયાધીશોને દૂર કરવાની તેની સર્વોચ્ચ ન્યાયિક પરિષદની સત્તા છીનવી લીધી હતી. જાકે, મે ૨૦૧૬માં હાઈકોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે ૧૬મા સુધારાને ગેરબંધારણીય જાહેર કર્યો હતો, જેને સરકારે જાન્યુઆરી ૨૦૧૭માં પડકાર્યો હતો. તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ સુરેન્દ્ર કુમાર સિન્હાની આગેવાની હેઠળની સાત ન્યાયાધીશોની અપીલ બેન્ચે જુલાઈ ૨૦૧૭માં હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો જેણે ૧૬મા બંધારણીય સુધારાને “અમાન્ય” જાહેર કર્યો હતો. ચુકાદા બાદ, તત્કાલિન હસીના સરકારે સર્વોચ્ચ અદાલતને ચુકાદાની સમીક્ષા કરવા માટે એક અરજી દાખલ કરી હતી, જેનો નિકાલ સર્વોચ્ચ અદાલતના રવિવારના ચુકાદા સાથે કરવામાં આવ્યો હતો.
આ બાબતે ૨૦૧૭ના સુપ્રીમ કોર્ટના ચુકાદાએ પરોક્ષ રીતે સિંહાને તત્કાલીન શેખ હસીના સરકાર સાથે સંઘર્ષમાં લાવ્યો, તેમને વિદેશમાં હોવા છતાં તેમના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી અને ત્યારથી તેઓ બાંગ્લાદેશની બહાર છે. વિદ્યાર્થીની આગેવાની હેઠળના આંદોલને હસીનાના લગભગ ૧૫ વર્ષના શાસનનો અંત આણ્યો હતો અને ૫ ઓગસ્ટે તેમને દેશ છોડવો પડ્યો હતો. ચાર દિવસ પછી, નોબેલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર મુહમ્મદ યુનુસે વચગાળાની સરકારના મુખ્ય સલાહકારની ભૂમિકા સંભાળી. સત્તા સંભાળ્યા બાદથી નવા વહીવટીતંત્રે હસીનાની તત્કાલીન સરકારના અનેક મંત્રીઓ અને નેતાઓની ધરપકડ કરી છે.