ભારતના મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) સંજીવ ખન્નાએ અધિકૃત રીતે ન્યાયમૂર્તિ ભૂષણ રામકૃષ્ણ ગવઈને પોતાના ઉત્તરાધિકારી બનાવવાની ભલામણ કરી છે અને તેમના નામને મંજૂરી માટે કેન્દ્રીય કાયદા મંત્રાલયને મોકલી દીધુ છે. આ ભલામણથી હવે ન્યાયમૂર્તિ ગવઈ ભારતના ૫૨માં મુખ્ય ન્યાયાધીશ બનશે એ નક્કી થઈ ગયું છે.
જસ્ટીસ ગવઈનો જન્મ ૨૩ નવેમ્બર ૧૯૬૦ના રોજ મહારાષ્ટ્રના અમરાવતીમાં થયો હતો. તેમના પિતા આરએસ ગવઈ એક જાણીતા રાજનેતા હતા. જે રિપબ્લીકન પાર્ટી ઓફ ઇન્ડિયાના નેતા, સાંસદ અને બિહાર, સિક્કિમ તથા કેરળના રાજ્યપાલ રહી ચૂક્યા છે.
જસ્ટીસ ગવઈએ ૧૬ માર્ચ ૧૯૮૫ના રોજ વકીલ તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. શરૂઆતમાં તેમણે જાણીતા પૂર્વ વકીલ અને હાઈકોર્ટના જજ રાજા એસ ભૌંસલે સાથે કામ કર્યું. ૧૯૮૭ થી ૧૯૯૦ સુધી તેમણે મુંબઈ હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી અને પછી નાગપુર બેન્ચમાં બંધારણીય અને પ્રશાસનિક કાનૂનના કેસોમાં કામ કર્યું.
તેઓ નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન, અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમરાવતી યુનિવર્સિટીના સ્ટેન્ડિંગ કાઉન્સીલ રહ્યા. ૧૯૯૨-૯૩ સુધી તેઓ આસિસ્ટન્ટ ગવર્મેન્ટ પ્લેડર અને પબ્લીક પ્રોસિક્યુટર પણ રહ્યા. ૨૦૦૦માં તેમને ગવર્મેન્ટ પ્લેડર નિયુક્ત કરાયા.
૧૪ નવેમ્બર ૨૦૦૩ના રોજ તેઓ બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ બન્યા અને ૧૨ નવેમ્બર ૨૦૦૫ના રોજ કાયમી જજ. ૧૬ વર્ષ સુધી મુંબઈ, નાગપુર, ઔરંગાબાદ અને પણજીની બેન્ચોમાં કામ કર્યા બાદ ૨૪ મી મે ૨૦૧૯ના રોજ તેમને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવ્યા.
જસ્ટીસ ગવઈ સુપ્રીમ કોર્ટમાં અનુસૂચિત જાતિ સમુદાયથી નિયુક્ત થનારા પહેલા જજ છે. જે જસ્ટીસ કેજી બાલકૃષ્ણનના ૨૦૧૦માં રિટાયર થયા બાદ આવ્યા. તેઓ બાલકૃષ્ન બાદ બીજા દલિત CJ હશે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તેમની નિયુક્તમાં તેમની વરિષ્ઠતા, ઈમાનદારી, યોગ્યતા અને સમુદાયના પ્રતિનિધિત્વને મહત્વ આપ્યું છે.