શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ – વિદ્યાસભાના કરાટે ખેલાડીઓએ ઓલ ઈન્ડિયા ઓપન કરાટે ચેમ્પિયનશિપ-૨૦૨૫માં નેશનલ કક્ષાએ કુલ ૯ મેડલ જીતીને અમરેલી જિલ્લાનું નામ ગુંજતું કર્યું છે. આ ચેમ્પિયનશિપનું આયોજન ૨૫ થી ૨૬ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ વડોદરા, ગુજરાત મુકામે થયું હતું, જેમાં દેશભરમાંથી પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગજેરા કેમ્પસના ૪ ખેલાડીઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે, જેમાં દવે દિશા, ગોલાણી ઉર્વીશા, સોલંકી વંદન અને ખાંભલા સોહિલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સવાલિયા વૃષ્ટિ, ચોહાણ શ્રેયા અને કાલેના ઊરવીએ સિલ્વર મેડલ તેમજ બારૈયા પરી અને કાણેના પુરબે બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. સંસ્થા દ્વારા નિયમિત પ્રેક્ટિસ માટે પૂરું પાડવામાં આવતું મજબૂત પ્લેટફોર્મ આ સિદ્ધિનું મૂળ છે. આ ઐતિહાસિક સફળતા બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજેરા અને તમામ ટ્રસ્ટીઓ દ્વારા ખેલાડીઓ અને કોચ વિકુશભાઈને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સ્પર્ધામાંથી પરત ફર્યા બાદ ટ્રસ્ટી બકુલભાઈ ગજેરા અને ચતુરભાઈ ખૂંટ દ્વારા સૌને શુભેચ્છાઓ આપવામાં આવી હતી.










































