બોબી સેન્ડોઝ આયર્લેન્ડનો ૨૭ વર્ષીય નૌજવાન સાંસદ હતો. એ પ્રજા પ્રશ્ને જેલમાં ગયો હતો. જેલમાં બોબીની ગણતરી સામાન્ય કેદી તરીકે કરવામાં આવી. પોતાને રાજદ્વારી કેદી ગણવા સારું થઈને ઉપવાસ પર ઉતર્યો, બોબીનો તર્ક હતો કે એ લોકોના પ્રશ્નોના મુદ્દે જેલમાં આવ્યો છે, અંગત કારણોસર નહિ. એ પ્રજાનો પ્રતિનિધિ છે. અન્યાય નાનો સરખો હતો, પણ બોબીના વિરોધનું નૈતિક મુલ્ય ખુબ ઉંચું હતું. બોબીએ ઉપવાસ કરીને મોત વહોરી લીધેલું. માંગણી એટલી જ હતી કે જેલ સત્તાધીશો બોબીની ગણના રાજદ્વારી કેદી તરીકે કરે. બોબીના મૃત્યુએ આયર્લેન્ડને ખળભળાવી મુક્યું. લાહોરની જેલમાં ૬૩ દિવસના ઉપવાસ કરીને પ્રાણ ત્યાગી દેનાર મહાન ક્રાંતિવીર જતીનદાસની પણ આ જ માંગણી હતી કે અમને રાજદ્વારી કેદી ગણો. અમે માભોમ કાજે જેલમાં આવ્યા છીએ. પારણા કરાવવા સત્તાધીશો જતીનદાસને પરાણે દૂધ પાવાનો પ્રયત્ન કરે છે, જતીનદાસ એ સમયે ઉધરસ ખાઈને દૂધ શ્વાસનળીમાં ચઢાવી દે છે, ધીમે ધીમે આખા શરીરમાં ઝેર ફેલાય છે, જતીનદાસ પોતાનું અવતારકૃત્ય સિદ્ધ કરીને નાના મુદ્દે ઉંચી નૈતિક આસ્થા સારું પ્રાણ ત્યાગે છે. જતીનદાસનો પાર્થિવ દેહ માદરે વતન કલકત્તા આવ્યો ત્યારે જે સ્મશાનયાત્રા થઇ એવી આજ દિન સુધી કલકત્તાએ જોઈ નથી. એ બંને યુવાનો હતા અને કશો બદલાવ ચાહતા હતા. આજે જાતિવાદ, જ્ઞાતિવાદ, સમાજવાદ, પ્રાંતવાદના ખભે પગ મૂકીને રાજનીતિમાં યુવાનો આવી રહ્યા છે. જે દેશોદ્ધાર, સમાજોદ્ધાર, સ્વોદ્ધાર કરવા માંગે છે. પોતાની જાતને દેશ, સમાજ માટે ખપાવી દેવા માંગે છે. ચાર ઇંચનું મુળિયું ખુંપાવી વટવૃક્ષ થઇ જવા માંગે છે. તેમના આ ચાર ઇંચના મુળિયા પણ સોશિયલ મીડિયામાં જ ફેલાયેલા છે. દર ત્રણ કલાકે તેના પોતાના ધ્યેય, પક્ષ, વિચાર, નીતિ, માન્યતા, પ્રાથમિકતા બદલી જાય છે. કશું કર્યા વિના બધું મેળવી લેવાની તેમની ઈચ્છા અને કટિબદ્ધતા કાબીલેદાદ છે. ‘મારે રાજનીતિ કરવી છે.’, એ વાત સિવાય બીજી કોઈ વાતમાં એ ચોક્કસ નથી. એ બધું એક આંખના ફોકસથી જુએ છે.
કૂવાની અંદર કે દિવાલોમા જ્યાં કબૂતરો બેસતા હોય અને ભેજનું પ્રમાણ રહેતું હોય ત્યાં તેના હગારથી અમુક ઝાડ ઉગી નીકળે છે, એ ઝાડ માત્ર કબૂતરના હગાર અને એ દીવાલમાં રહેલા ભેજની નિષ્પત્તિ છે, કોઈએ ત્યાં તેને ઉગાડવાનો દાખડો નથી કર્યો. એણે પોતે પણ નથી કર્યો. એ ઝાડને મુળિયા બેસાડવા જમીન નથી હોતી. એ કદાચ થોડો સમય ટકી રહે છે પણ તેમાંથી વટવૃક્ષ નથી થઇ શકતું, એ કોઈને છાંયો નથી આપી શકતું. જ્યાં સુધી જમીનનો ભેજ છે ત્યાં સુધી તેનું અસ્તિત્વ સાબૂત છે. કોઈની છાતી ઉપર પગ દઈને વધુમાં વધુ તમે અભેરાઈથી મીઠાની બરણી ઉતારી શકો, એવરેસ્ટ ન ચઢી શકો. એવરેસ્ટ ચઢવા માટે ફેફસા ફાટી જાય ત્યાં સુધી તેમાં હવા ભરવાની તાકાત જોઈએ, પગના મજબૂત સ્નાયુ જોઈએ, મહાવરો જોઈએ. ઉંચાઈ પ્રાપ્ત કરતા પહેલા મેદાનમાં તૈયારી કરવી જરૂરી છે. ધંધો હોય, રાજનીતિ હોય કે બીજું કોઈપણ ક્ષેત્ર હોય, તૈયાર ભાણા પર બેસીને જમેલું પચાવવું અઘરું છે. તમે જે જમીન પર હરીફાઈમાં ઉતરો છો, એ જમીન જો તમને અકસ્માતે મળી છે, સમાજ, જ્ઞાતિ કે પ્રદેશે તૈયાર કરી છે તો તમારા પગ એ જમીન પર લાંબો સમય ટકાવવા મુશ્કેલ છે. લાંબાગાળાની રાજનીતિમાં જમીન ઉછીની નથી ચાલતી. વારસામાં મળી હોય તો પણ તમારે તમારી જાતને સાબિત કરવી પડે છે.
મેક્સ વેબરે લોકપ્રિય નેતાની ત્રણ વિશેષતાઓ ગણાવી છે. પ્રથમ, ધ્યેય પ્રાપ્ત કરવા માટેનો ઉન્માદ. અહીં ધ્યેય પ્રજાકલ્યાણના છે, અંગત સ્વાર્થના ધ્યેય નથી. આ ધ્યેય પુરા કરવા માટેની ઘેલછા રાજનીતિમાં સફળતા માટેની વિશેષતા છે. બીજું, ઉત્તરદાયિત્વની ભાવના. જવાબદારીમાંથી છટકતો રહેતો આગેવાન પ્રજામાં જગ્યા બનાવી શકતો નથી. આગળ વધીને, મોખરે રહીને સમસ્યાઓનું સમાધાન શોધતો નેતા પ્રજામાં પ્રિય હોય છે. ત્રીજું, પાક્કો નિર્ણય. મીર્ઝાપુરી લોટાની જેમ પોતાને અનુકૂળ પડતી બાજુ સતત ગબડતો રહેતો અને છાસવારે પોતાનું સ્ટેન્ડ અને નિર્ણય બદલતા રહેતા આગેવાનને લાંબી રાજનીતિ માટે પ્રજા પસંદ નથી કરતી. આજની ઝડપથી બદલી જતી રાજનીતિમાં ઢીલી નિર્ણયશક્તિ મોટો અવરોધ છે. વેબરનું અવલોકન ઘણું જુનું છે. વર્તમાનના વ્યાપક રાજકારણના સ્વરૂપમાં આમાં પણ બે એક પરિમાણો ઉમેરાઈ શકે છે.
મોટી ચૂંટણીઓ આવતા પ્રજાને રૈયત સમજતા મધ્યયુગીન સામંતિ માનસિકતા ધરાવતા નેતાઓનો સોદાગીરીનો ગ્રંથિસ્ત્રાવ ઝરવા લાગે છે. આત્માનો સોદો કરીને રાજનીતિમાં આવેલો માણસ એ જ્યુડસ ઇસ્કેરીએટ જેવો દગાખોર છે જેણે ઈશ્વર સાથે દગો કર્યો હતો. દગો કરીને ટોળા પાસે આંદોલન કરાવી લેવું અને ફોકસમાં આવી જવું એ ભારતીય રાજકારણની એક તરેહ રહી છે. ટોળાની યાદદાસ્ત ટૂંકી હોય છે. કાલે જેના સમર્થનમાં નારાઓ લગાવ્યા હતા આજે તેની વિરુદ્ધમાં છીએ એટલું વિચારી ન શકે એવી બેહોશી છવાયેલી છે. દિશાહીન આંદોલનોના ખભે પગ મૂકીને રાજનીતિક ઉંચાઈઓ પર પહોચી શકાય છે, એ સમય ક્યારનોય પસાર થઇ ચુક્યો. વિશાળ ફલક પર સમર્થન મુદ્દાના વાજબીપણા અને નેતાના ચારિત્ર્ય સિવાય નથી મળતું. જાહેર જીવનમાં જનાધાર અંતિમ સત્ય છે. સોશિયલ મીડિયાનો ઝગમગાટ અને કટ્ટર ખુશામતખોર ટેકેદારો, ટીવી અને પ્રિન્ટ મીડિયામાં ચમક દમક નેતાનું પ્રારબ્ધ નક્કી નથી કરતા. તમારો રાજનીતિક મુકદ્દર જનતા સિવાય કોઈ બીજું નક્કી નથી કરી શકતું, ખુદ તમે પણ નહિ.
ક્વિક નોટ — રાજ્યનો ઘોડો, બગાઈ ચટકા ભરતી રહે તો સારી હાલતમાં રહે. — સોક્રેટીસ pravin147@hotmail. com