નાળિયેરના વૃક્ષને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે કારણ કે તેના દરેક ભાગોનો ઉપયોગ માણસના જન્મથી મૃત્યુ સુધીની જીવનયાત્રામાં સારા નરસા પ્રસંગોમાં થાય છે. માનવીની પાયાની ત્રણ જરૂરીયાત જેવી કે ખોરાક, વસ્ત્ર અને રહેઠાણ પણ આ વૃક્ષમાંથી મળી રહે છે. નાળિયેરીના વિવિધ ભાગોમાંથી વિવિધ બનાવટો બનતી હોઈ નાના ઉદ્યોગો તથા મોટા ઉદ્યોગોને કાચો માલ પુરો પાડે છે અને લોકોને રોજગારીની તકો પુરી પાડે છે તથા વિદેશી હૂંડિયામણમાં વધારો થાય છે. નાળિયેરીમાંથી બનતી વિવિધ બનાવટો આ લેખમાં આપવામાં આવેલ છે.
૧.નાળિયેરનું પાણીઃ નાળિયેરનું પાણી નાળિયેરના દૂધ કરતા એકદમ જુદુ છે. તરોફા તથા લીલા નાળિયેરમાંથી તેમજ કોપરાની કઠણ કાછલીને તોડવામાં આવે ત્યારે તેમાંથી મીઠું પાણી નીકળે છે જે તેના ઉત્તમ પોષણયુક્ત ફાયદાઓ માટે જાણીતું છે. આ અદ્‌ભૂત કુદરતી પીણું ઉનાળાની ઋતુમાં ખૂબ જ પ્રચલિત છે તેમજ બિમાર માણસ માટે શક્તિવર્ધક પીણું છે.
હ્લર્છં પદ્ધતિઃ આ પદ્ધતિમાં નાળિયેર પાણીને માઈક્રો ફિલ્ટર દ્વારા ગાળવામાં આવે છે. માઈક્રો ફિલ્ટર પદ્ધતિ દ્વારા પાણીમાંથી ઘન પદાર્થો દૂર કરી એકદમ સ્વચ્છ બનાવવામાં આવે છે. આ બનાવટમાં વિટામીન, ખનીજ તત્વો, સ્વાદ, કલર વગેરે કુદરતી રીતે જ જળવાય રહે છે. જે માટે રસ ધરાવતી વિવિધ એજન્સીઓએ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે.
૨. નાળિયેરનું દૂધઃ તાજા કોપરામાંથી બનાવેલ દૂધનો ઉપયોગ વિવિધ વાનગીઓ
તેમજ મીઠાઈઓ બનાવવા માટે કરવામાં આવે છે. ખાસ કરીને દક્ષિણ ભારત, શ્રીલંકા અને થાઇલેન્ડમાં તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. મોટે ભાગે આ દૂધનો ઉપયોગ સૂપ તથા ખીરને ઘટ્ટ કરવામાં થાય છે. ઉપરાંત કોઇને જો દૂધની એલર્જી હોય તો આ કોપરાના દૂધને તેના બદલે વાપરી શકાય છે. વધુમાં આ દૂધ વાળ ધોવાના કન્ડીશનર તરીકે પણ ઉત્તમ છે. તેને વાળમાં લગાવી માલિસ કર્યા બાદ વાળ ધોઈ નાખવાથી વાળ સુંવાળા થાય છે અને વાળની મજબૂતાઈ વધે છે. આ દૂધનો ઉપયોગ ઘરે બનાવેલ ફેસપેકમાં પાણીને બદલે કરી શકાય છે. હાલમાં માર્કેટમાં કોપરાનો લોટ પણ મળે છે જેનો ઉપયોગ ગ્લુટેન ફ્રી સબ્સ્ટીટ્યુટ તરીકે કરવામાં આવે છે.
૩.નાળિયેરની ચટણીઃ લીલા કોપરામાંથી વિવિધ ચટણીઓ બનાવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં ઈડલી, ઢોસા સાથે લીલા નાળિયેરની ચટણીનો ખૂબ જ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે.
૪. કોપરાઃ સંપૂર્ણ પાકા નાળિયેર(૧૨ માસથી વધારે)ને છાયામાં ૫થી ૬ માસ સુકવવાથી નાળિયેરમાં રહેલ પાણી સુકાઈ જશે, અંદરનું કોપરૂ કાછલીથી જુદુ પડશે. નાળિયેર હલાવવાથી અવાજ આવશે આવા નાળિયેરને તોડી તેમાંથી આખું કોપરૂ કાઢવામાં આવે તો તેને બોલ કોપરૂ કહેવામાં આવે છે અને કોપરાના બે ભાગ કરવામાં આવે તો તેને કપ કોપરૂ કહેવામાં આવે છે. આ બોલ કે કપ કોપરાને સૂર્યના તાપમાં કે યંત્ર દ્વારા ગરમ હવા તેના પરથી પસાર કરી ભેજ રહિત કરવામાં આવે છે જેથી તેની સંગ્રહ શક્તિમાં વધારો થાય છે તથા તેમાંથી બનતી વસ્તુની ગુણવત્તા સારી મળે છે. સુકા બોલ કે કપ કોપરાને યંત્ર દ્વારા ઝીણું છીણવામાં આવે છે અથવા તો સ્લાઈસ બનાવવામાં આવે છે જેને બજારમાં વેચાણ માટે મુકવામાં આવે છે જેનો ઉપયોગ વિવિધ પ્રકારની મીઠાઈઓ જેવી કે કોપરાપાક, હલવો વગેરે બનાવવામાં આવે છે.
૫. કોપરાનું તેલઃ સુકા કોપરાને મશીન દ્વારા પીલાણ કરી તેમાં રહેલું તેલ એકત્રિત કરવામાં આવે છે આ તેલને રિફાઈન્ડ કરી અલગ-અલગ જથ્થામાં પેક કરી નાળિયેરના તેલ તરીકે બજારમાં વેચાણ કરવામાં આવે છે. જેનો ઉપયોગ ખોરાક, સૌંદર્યવર્ધક સાધનો વગેરેમાં કરવામાં આવતો હોય છે. સામાન્ય રીતે નાળિયેરના કોપરામાં ૬૮ થી ૭૦ % તેલ હોય છે. કોપરાનું તેલ તેની આકર્ષક ફ્‌લેવર અને સુગંધને લીધે ખૂબ જ પ્રચલિત છે. ખોરાકની ઘણી વાનગીઓમાં માખણને બદલે કોપરાના તેલનો ઉપયોગ થાય છે. કોપરાનું તેલ આરોગ્ય માટે ઉત્તમ છે કારણ કે તે રોગ પ્રતિકારક શક્તિ વધારી ઘણી બિમારીઓ સામે રક્ષણ આપે છે. કોપરાનું તેલ ફક્ત રાંધવા માટે જ નહી પરંતુ વાળ તેમજ ચામડી માટે ઉત્તમ કંડીશનર તરીકે પણ ઉપયોગી છે. આ તેલ સૂકા અને બરછટ વાળને સુંવાળા કરે છે તથા નાના બાળકોને પણ આ તેલની માલિસ કરવાથી તેમની નાજુક ચામડી માટે ખૂબ જ લાભદાયી છે.
૬. કોપરાનો ખોળઃ નાળિયેરના કોપરામાંથી તેલ કાઢયા બાદ વધેલ ભાગ કોપરાના ખોળ તરીકે ઓળખવામાં આવે છે. જેનો ઉપયોગ પશુ આહાર તરીકે, બેકરીની વિવિધ આઈટમોમાં તથા માછલીના ખોરાક તરીકે પણ થાય છે.
૭. શ્રીફળઃ હિન્દુ
સંસ્કૃતિમાં શ્રીફળ વિવિધ પૂજામાં, હવનમાં તથા અન્ય વિવિધ કાર્યોમાં બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે. હિન્દુ દેવી દેવતાઓને પશુની બલિના બદલે પ્રતિકાત્મક રીતે તેને વધેરવામાં આવે છે અને મુંગા પશુઓની બલિ અટકાવવામાં મહત્વનો ફાળો આપે છે.
૮.નાળિયેરની કાછલીઃ નાળિયેરની કઠણ કાછલી પણ ખૂબ જ ઉપયોગી છે. જેનો ઉપયોગ પરંપરાગત રીતે ઘરમાં ખોરાક ગરમ કરવા માટે થાય છે. કાછલીઓ જુદી જુદી સુશોભનની વસ્તુઓ બનાવવા માટે પણ પ્રચલિત છે. આ કાછલીઓને કલર કરી અને તેને સુંદર રીતે ચિત્રકારીથી સુશોભિત કરી ઘરનો બેઠક રૂમ તથા ઓફિસ રૂમ સજાવવા ઉપયોગી છે.
૯. છાલઃ છાલનો ઉપયોગ કુદરતી સ્કબર અને સુશોભન મટીરિયલ તરીકે થાય છે. નાળિયેરની છાલના ઘણા બધા ઉપયોગ છે. તેનો ઉપયોગ કુદરતી સ્ક્રબર તરીકે થાળી, વાટકી તથા અન્ય વાસણોને સાફ કરવા ઉપરાંત ભોંયતળીયું સાફ કરવા માટે પણ થાય છે. વિવિધ સુંદર સુશોભનની વસ્તુઓ બનાવવા માટે પણ નાળિયેરની છાલનો ઉપયોગ થાય છે, જેમ કે છાલને કલર કરીને તેનો ઉપયોગ ઢીંગલીના વાળ બનાવવા માટે પણ થાય છે. (ક્રમશઃ)