ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ અત્યારે ભલે ગમે તેવી હોય પણ તેની ચર્ચામાં આપણે નથી પડવું. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ગરીબ મિત્ર સુદામા સાથે ભણ્યા હોય.તે સૌરાષ્ટ્ર ગુજરાતને શિક્ષણમાં પછાત છે તે કેમ કહી શકાય ? થોડા વર્ષો પહેલા શિક્ષણધામ ગણાતા વિદ્યાનગરમાં સેમિનારો થતા ત્યારે ઘણા અભ્યાસુ વક્તાઓ એ વાત કહેતા કે નાલંદા  તક્ષશિલા થી આપણે હાવર્ડ સમકક્ષ શિક્ષણ સ્તર બનાવવાનું છે. નાલંદા અને તક્ષશિલા યાદ આવે છે પણ બીજી એક પ્રાચીન વિદ્યાપીઠ ગુજરાત સૌરાષ્ટ્રના છેવાડે આવેલી હતી તે વલ્લભીવિદ્યાપીઠ  ભુલાઈ જતી હતી.
આપણામાંથી ઘણાંને નાલંદા, તક્ષશિલા જેવી પ્રાચીન યુનિવર્સિટીના નામ ખબર હશે. પરંતુ શું તમને ખબર છે? પુરાતનકાળમાં ગુજરાતમાં પણ એક પ્રખ્યાત વિદ્યાપીઠ વલભી (ભાવનગર) ખાતે થઈ ગયેલ જેની ખ્યાતિ માત્ર ગુજરાતમાં નહિ પરંતું ગુજરાતની બહાર વિશ્વ સ્તરે પહોંચી હતી, વલભી વિદ્યાપીઠ એ પશ્ચિમ ભારતના સૌરાષ્ટ્ર પ્રાંતમાં મૈત્રક શાસનની રાજધાની વલભીમાં આવેલી હતી.બૌદ્ધ સાહિત્ય અને એમાં પણ ખાસ બૌદ્ધ ધર્મના મહાયાન પંથની રૂઢિચુસ્ત શાળા – હિનયાન તરીકે વધારે પ્રચલિત હતી,થોડા સમય માટે તો એ શૈક્ષણીક સ્તરે વિશ્વવિખ્યાત નાલંદા વિદ્યાપીઠની સ્પર્ધામાં પણ રહેલ.
વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હિનયાન પંથને અનુસરતી હોવા છતાં, તેમાં બ્રાહ્મણવાદી જ્ઞાન પણ શીખવવામાં આવતું હતું. ઉત્તર ભારતના ગંગા નદીના પ્રદેશમાંથી બ્રાહ્મણ વિદ્યાર્થીઓ ધાર્મિક વિધિઓ અને કર્મકાંડ શીખવા વલભી આવતાં હોવાનાં સંદર્ભો છે.  ધાર્મિક શિક્ષણની સાથે પ્રાચિન વલભી વિદ્યાપીઠમાં નીતિ ( રાજનૈતિક વિજ્ઞાન), વેપાર અને કૃષિ,જાહેર વહીવટ, ધર્મશાસ્ત્ર, કાયદો, શિલ્પ વિદ્યા, અભિધર્મકોષ ( તત્વમીમાંસા / metaphysics), ચિકિત્સાવિદ્યા (medicine), હેતુવિદ્યા (તર્કશાસ્ત્ર / logic) , અર્થશાસ્ત્ર અને હિસાબ વગેરે વિષયો પણ ભણાવવામાં આવતાં. ઘણાં લોકોને જાણીને નવાઇ લાગશે કે આજે જેમ અલગ અલગ યુનિવર્સિટીમાં દાખલ થવા માટે પ્રવેશ પરીક્ષાઓ હોય છે બસ એ જ પ્રમાણે આજથી આશરે ૧૫૦૦-૧૬૦૦ વર્ષ પહેલાં વલભી વિદ્યાપીઠમાં દાખલ થવા દ્વારપંડિત આગળ તેમની પ્રતિભા સાબિત કરવી પડતી અને જો તેમાં નાકામ નીવડે તો દરવાજેથી જ પાછું વળી જવું પડતું. અહીં શિક્ષણ લીધા બાદ આજના સમયની જેમ પ્લેસમેન્ટ માફક વિદ્યાર્થીઓને રાજદરબારમાં નીમવામાં આવતાં, જે રાજ્યના દરબારમાં આ શિષ્યોને નિમવામાં આવતાં તે રાજ્યના રાજાઓ વિદ્યાપીઠને રાજ્યાશ્રય/દાન આપતા હતાં.
૭મી સદીના મધ્યભાગમાં આ વિદ્યાપીઠમાં ૬૦૦૦ જેટલાં વિદ્યાર્થીઓ અને તેમના રોકાણ માટે  ૧૦૦થી વધારે આશ્રમ હતાં. વિદ્યાપીઠમાં દરેક વિહાર કે ચૈત્ય એક કોલેજ મફકની જેમ વિદ્યાપીઠને આધીન રહી વિશેષ વિદ્યાનું સંકુલ બની રહેતું. અહીં પંડિતો વિદ્યાર્થીઓને તેમના પુત્રની જેમ રાખતા હતા અને પૂર્વ પાઠ કંઠિત ના થાય ત્યાં સુધી નવું જ્ઞાન આપવામાં આવતું નહતું. એકસાથે આશરે ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ એક વર્ગમાં રહેતા. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોવા છતાં પ્રત્યેક વિદ્યાર્થીનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું અને  તેમને મુંઝવતા પ્રશ્નોના નિકાલ માટે સામેથી પ્રશ્ન કરે એ માટે પ્રયત્નો થતા.
વલ્લભી વિશ્વવિદ્યાલય એ ૬૦૦ અને ૧૨૦૦ના સૈકાઓ દરમ્યાન બૌદ્ધ ધર્મના શિક્ષણનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર હતું. આ સંસ્થા બૈદ્ધ ધર્મના હિનયાન ફિરકા દ્વારા સંચાલિત હતી. વલ્લભીએ ૪૮૦થી ૭૭૫ સુધા મૈત્રક સામ્રાજ્યની રાજધાની હતી. તે સૌરાષ્ટ્રનું આંતરરાષ્ટ્રીય વેપાર માટેનું એક મહત્વપૂર્ણ બંદર પણ હતું, હાલમાં તેને પશ્ચિમ ભારતના ગુજરાતના ભાવનગર જિલ્લાનું વલ્લભીપુર કહેવામાં આવે છે, જે વળા રજવાડા રાજ્યની હેઠળ હતું. થોડા સમય માટે આ વિદ્યાપીઠ શિક્ષણના ક્ષેત્રમાં, બિહારની નાલંદા વિદ્યાપીઠની પ્રતિસ્પર્ધી માનવામાં આવતી હતી. સપ્ટેમ્બર ૨૦૧૭ માં ભારતની કેન્દ્ર સરકારે આ પ્રાચીન વિશ્વવિદ્યાલયને પુનર્જીવિત કરવાની દરખાસ્ત પર વિચાર કરવાનું શરૂ કર્યું.
વલભીએ હિનાયન બૌદ્ધ ધર્મના અભ્યાસ કરાવતી હોવાનું જાણવા મળે છે, પણ ન તો તે એક માત્ર અભ્યાસ હતો કે ન તો તે અન્ય સાથે શીખવો જ પડે એવો અભ્યાસ હતો. બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોની સાથે અહીં બ્રાહ્મણવાદી વિજ્ઞાન પણ શીખવવામાં આવતું હતું. ગંગાના મેદાનોથી આ વિશ્વવિદ્યાલયમાં શીખવા આવેલા બ્રાહ્મણ વિદ્યાર્થીઓના સંદર્ભો મળી આવ્યા છે. ધાર્મિક વિજ્ઞાન ઉપરાંત અહીંના અભ્યાસક્રમોમાં અન્ય વિષયો પણ શામેલ હતા જેમકે:નીતિ ( રાજકીય વિજ્ઞાન, રાજ્યોની વ્યવસ્થા) વાર્તા ( વેપાર, કૃષિ )વહીવટ,ધર્મશાસ્ત્ર,
કાયદો,અર્થશાસ્ત્ર અને નામું.
વલ્લભીની પ્રગતિ આખા ઉત્તર ભારતમાં પ્રસરેલી હતી. કથાસરીતસાગર એક બ્રાહ્મણની કથા સંભળાવે છે, જેણે નિશ્ચય કર્યો હતો કે તે નાલંદા અથવા બનારસ કરતાં તેના પુત્રને વલ્લભી મોકલશે. ગુણમતી અને સ્થિરમતી અહીંના બે પંડિતો હતા; અહીં રહેતા અન્ય પ્રખ્યાત શિક્ષકો અને વિદ્વાનો વિશે બહુ ઓછી જાણકારી છે. તે એકદમ નિશ્ચિત છે કે વલ્લભીના પંડિતો દ્વારા પાંડિત્ય કે વિદ્વાન તરીકેની મંજૂરી, ઘણા રાજ્યોની વિદ્વાન વિદ્વાનસભાઓમાં ખૂબ મૂલ્યવાન ગણાતી. ૭ મી સદીમાં એક ચીની યાત્રાળુ હ્યુ-એન-ત્સાંગે વલ્લભીની મુલાકાત લીધી હતી અને તે સદીના અંતમાં યીજિંગ નામના અન્ય ચીની યાત્રાળુએ પણ. યીજિંગે વિશ્વવિસ્યાલયને બૌદ્ધ મઠના કેન્દ્ર નાલંદાની સમાન ગણાવી હતી.
તેઓ ફાહીઆનના ભારત પ્રવાસ વિશે જાણતા હતા અને તેમને લાગ્યું કે અપૂર્ણ અને ખોટી રીતે ભાષાંતર કરાયેલું બૌદ્ધ લખાણ ચીન પહોંચ્યું છે.
તેઓ તેમનાં ભારતનાં ૧૭ વર્ષના પ્રવાસથી ખ્યાતનામ બન્યા હતા. આ પ્રવાસનું વર્ણન ચાઇનિઝ લખાણ ગ્રેટ તાંગ રેકોર્ડ ઓન ધ વેસ્ટર્ન રિજીયનમાં લખાયું છે. આ પુસ્તક હ્યુ એન ત્સાંગના મૃત્યુની નવ સદી પછી મિંગ વંશ દરમિયાન લખાયેલ નવલકથા જર્ની ટુ ધ વેસ્ટનું પ્રેરણારૂપ બન્યું.
જ્યારે હ્યુ-એન-ત્સાંગે ૭ મી સદીના મધ્યમાં વિશ્વવિદ્યાલયની મુલાકાત લીધી, ત્યારે તે જગ્યાએ ૬૦૦૦ થી વધુ સાધુઓ અભ્યાસ કરતા હતા. તેમના રહેઠાણ માટે ૧૦૦ જેટલા મઠો પૂરા પાડવામાં આવ્યા હતા. વલ્લભીના ઘણા શ્રીમંત અને ઉદાર નાગરિકો આ સંસ્થા ચલાવવા માટે જરૂરી ભંડોળ ઉપલબ્ધ કરાવતા હતા. દેશ પર શાસન કરનારા મૈત્રક રાજાઓ વિશ્વવિદ્યાલયના આશ્રયદાતા તરીકેની ભૂમિકા ભજવતા હતા. તેઓએ સંસ્થાના કામકાજ અને તેની પુસ્તકાલયો સજ્જ કરવા માટે પ્રચંડ અનુદાન આપ્યું હતું.
સ. ૭૭૫માં, આશ્રયદાતા રાજાઓ પર આરબોએ હુમલો કર્યો. આનાથી વિશ્વવિદ્યાલયને હંગામી ફટાકો લાગ્યો. તે પછી પણ, વિશ્વવિદ્યાલયનું કાર્ય અવિરતપણે ચાલુ રહ્યું, કારણ કે મૈત્રકા વંશના અનુગામીઓએ પુષ્કળ દાનથી તેનું સમર્થન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન અને પછી વિશ્વવિદ્યાલયને લાગતી ઘણી માહિતી પ્રાપ્ત થઈ નથી. તેના આશ્રયદાતા રાજાઓની ૧૨ મી સદીમાં હાર, સંસ્થાની તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓને ધીમી મૃત્યુ તરફ દોરી ગઈ.
વલ્લભીવિદ્યાપીઠ એ પ્રાચીન વારસા સમાન હતી તેના વિશે ઘણા પ્રકારની વાતો ચર્ચાતી હતી તેનો અસ્ત કેમ થયો  અથવા તો  ઇતિહાસ કેમ બની ગઈ તે મોટો સવાલ છે તેના કરતાં સૌથી મોટો સવાલ તો એ છે કે  અત્યારે ભૂતકાળની યુનિવર્સીટીઓની સાથે વલ્લભીવિદ્યાપીઠ ને યાદ કેમ કરાતી નથી?
વલ્લભી વિદ્યાપીઠ વિશે એક નહિ અનેક વાતો પ્રચલિત છે તેમાં આવી બીજી કેટલીક વાતો  ચર્ચાતી જોવા મળે છે.
સૌરાષ્ટ્રના પૂર્વભાગમાં ભાવનગરની વાયવ્યે 29 કિમી.ના અંતરે વલભી ગામમાં આવેલી પ્રાચીન વિદ્યાપીઠ. ઈ. સ. 470માં વલભી મૈત્રકોની રાજધાની બની તે પહેલાંયે તે અસ્તિત્વમાં હતી અને શૈક્ષણિક પ્રવૃત્તિ ચાલુ હતી. વર્તમાનકાળ જેવી સુસંગઠિત શિક્ષણ-સંસ્થાઓ તે સમયે ન હતી. ‘કથાસરિત્સાગર’માંની કથામાં ગંગા દોઆબના દ્વિજ વસુદત્તનો પુત્ર વિષ્ણુદત્ત વિદ્યાપ્રાપ્તિ વાસ્તે વલભી આવ્યાનો ઉલ્લેખ છે. તે પરથી પ્રાક્-મૈત્રકકાળમાં પણ વલભી પ્રસિદ્ધ વિદ્યાધામ હોવાની ખાતરી થાય છે. બૌદ્ધ આચાર્ય સ્થિરમતિ તથા ગુણમતિ અને જૈન સૂરિ મલ્લવાદીની વિદ્યાકીય પ્રવૃત્તિઓ પરથી વલભીની વિદ્યાધામ તરીકેની મહત્તા ચોથી-પાંચમી સદીમાં પણ ચાલુ રહી હતી તેમ જણાય છે. ગુપ્તકાળ દરમિયાન વલભીમાં વેદ-વેદાંતના શિક્ષણની સંભાવના પણ સૂચિત થાય છે, કારણ કે ઋગ્વેદભાષ્ય અને નિરુક્ત ટીકાના કર્તા, ભર્તૃધ્રુવના પુત્ર સ્કંદસ્વામી વિક્રમાદિત્યના ધર્માધ્યક્ષ હરિસ્વામીના ગુરુ અને વલભીના વતની હતા.
વલભીમાં ત્રયી વિદ્યાઓ (ત્રૈવિદ્ય) તથા ચતુષ્ટયી વિદ્યાઓના (ચાતુર્વિદ્ય) જાણકાર બ્રાહ્મણો હતા; તે મૈત્રકકાળનાં દાનશાસનો પરથી જાણવા મળે છે. વલભીમાં મગધના નાલંદા જેવી ઉચ્ચ શિક્ષણ માટેની મોટી વિદ્યાપીઠ હતી. તેમાં શબ્દવિદ્યા, ન્યાયવિદ્યા, અભિધર્મવિદ્યા, શિલ્પવિદ્યા તથા ચિકિત્સાવિદ્યાનું જ્ઞાન આપવામાં આવતું હતું. તેમાં બે અથવા ત્રણ વર્ષનો અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ બૌદ્ધ ન્યાય તથા દર્શનનું ઉચ્ચ શિક્ષણ મેળવતા હતા. વલભી વિદ્યાપીઠમાં પ્રવેશ વાસ્તે પરીક્ષા લેવામાં આવતી, જેમાં દસમાંથી ત્રણેક વિદ્યાર્થી સફળ થતા. જેમણે પ્રાચીન તથા નવીન ગ્રંથોનું તલસ્પર્શી અધ્યયન કર્યું હોય, તેઓને ત્યાંની વાદસભામાં દાખલ કરવામાં આવતા હતા. ત્યાં જુદા જુદા મતોની ચર્ચા કરીને, જે પોતાના અભિપ્રાયની સર્વોચ્ચતા પુરવાર કરતા તેઓ સર્વત્ર માન મેળવતા. તેઓને રાજાઓ ભૂમિદાન આપતા. વાદસભામાં ઉચ્ચશ્રેણી મેળવનારનાં નામ વિદ્યાપીઠના પ્રવેશદ્વાર પર લખવામાં આવતાં. તેઓમાંના કેટલાક તો રાજદરબારોમાં જઈ, પોતાનું જ્ઞાન તથા તેજસ્વિતા દર્શાવી ઉચ્ચ હોદ્દા પર નિમણૂક મેળવતા.
ચીની પ્રવાસી ઇત્સિંગના જણાવવા મુજબ વલભી વિદ્યાપીઠ તે સમયની વિશ્વપ્રસિદ્ધ નાલંદા વિદ્યાપીઠની સમાન કક્ષાની હતી. ત્યાં પરમજ્ઞાની અચલ, આચાર્ય સ્થિરમતિ, ગુણમતિ, આચાર્ય બુદ્ધદાસ તથા વિમલગુપ્ત જેવા પ્રકાંડ પંડિતો વસતા હતા. આ ઉપરાંત એવા બીજા અનેક વિદ્વાનો ત્યાં થઈ ગયા હશે.
મૈત્રકકાળ દરમિયાન વલભીમાં બૌદ્ધ ભિક્ષુઓ તથા ભિક્ષુણીઓના વિશાળ વિહારો બંધાયા હતા; તેથી ત્યાં બૌદ્ધ ધર્મના શિક્ષણની પ્રવૃત્તિ મોટા પાયા પર ચાલતી હતી તેમ કહી શકાય. મૈત્રક રાજા ભટાર્કે વલભીમાં વિહાર બંધાવ્યો. ધ્રુવસેનના સમયમાં તેના ભાણેજ દુદાએ વલભીમાં મહાવિહાર બંધાવ્યો. તે પછીના રાજાઓએ વિહારોને ભૂમિદાન આપ્યાં, એટલે વિહારોની સાથે વિદ્યાપીઠનો પણ ઉતરોત્તર વિકાસ થયો.
આ પ્રાચીન વારસા અંગે સંશોધન કરવામાં આવે તો ભવ્ય ભૂતકાળનો વારસો સજીવન થાય અને  તો વર્તમાન શિક્ષણનું સ્તર સુધારવામાં પણ ઉપયોગી બને તેમ છે.