અમરેલી જિલ્લામાં આગામી ૧લી ઓગસ્ટથી નારી વંદન સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી થવા જઈ રહી છે. આ સમગ્ર સપ્તાહ દરમિયાન મહિલા સશક્તિકરણલક્ષી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન બને તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે હેતુથી આ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. મહિલાઓના સર્વાંગી વિકાસ, સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય સહિતના મહત્વના પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરીને મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં સક્ષમ બને તે સુનિશ્ચિત કરવાનો આ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ છે. આ સપ્તાહ દરમિયાન દરરોજ એક વિશિષ્ટ થીમ પર કાર્યક્રમો યોજાશે. જેમાં, ૧ ઓગસ્ટે મહિલા સુરક્ષા દિવસ, ૨ ઓગસ્ટે બેટી બચાવો બેટી પઢાવો દિવસ, ૪ ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ, ૫ ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસ, ૬ ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ, ૭ ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસ અને ૮ ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે, તેમ અમરેલી જિલ્લા મહિલા અને બાળ અધિકારી દ્વારા એક યાદીમાં જણાવાયું છે.