ભારતની આઝાદીને ૭૫ વર્ષથી વધુનો સમય વીતી ગયો છે. આપણે સૌ આઝાદ ભારતમાં શ્વાસ લઈએ છીએ અને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ. આ દિવસ આપણને એ મહાન શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદ અપાવે છે જેમણે પોતાના પ્રાણોની આહુતિ આપીને આપણને આઝાદી અપાવી. પરંતુ શું આઝાદીનો અર્થ માત્ર રાષ્ટ્રધ્વજ ફરકાવવો અને રાષ્ટ્રગીત ગાવા પૂરતો જ સીમિત છે? શું દેશભક્તિ એટલે ફક્ત સરહદ પર જઈને લડવું કે શહીદ થવું? ના, સાચી દેશભક્તિ એ છે જ્યારે આપણે એક જવાબદાર નાગરિક તરીકે આપણા કર્તવ્યોનું પાલન કરીએ. નાગરિક ધર્મ નિભાવવો એ પણ ખરી દેશભક્તિ છે.
નાગરિક ધર્મ એટલે શું?
નાગરિક ધર્મ એટલે સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની આપણી જવાબદારીઓ. એક સારા નાગરિક તરીકે આપણા કેટલાક કર્તવ્યો છે જેનું પાલન આપણે કરવું જોઈએ. આ કર્તવ્યોમાં ફક્ત કાયદાનું પાલન કરવું એટલું જ નહીં, પરંતુ સમાજ અને દેશના વિકાસમાં યોગદાન આપવાનો પણ સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે, નિયમિત કર ચૂકવવો, જાહેર સંપત્તિનું રક્ષણ કરવું, સ્વચ્છતા જાળવવી, મતદાન કરવું અને પોતાના અધિકારો તેમજ ફરજો પ્રત્યે જાગૃત રહેવું. આ બધા કાર્યો ભલે નાના લાગતા હોય, પરંતુ તે એક મજબૂત અને પ્રગતિશીલ રાષ્ટ્રના નિર્માણ માટે અત્યંત આવશ્યક છે.
નાગરિક ધર્મ અને દેશભક્તિ વચ્ચેનો સંબંધઃ
દેશભક્તિ અને નાગરિક ધર્મ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. દેશભક્તિની ભાવના માત્ર દેશ માટે મરી મીટવાની નહીં, પરંતુ દેશને જીવંત રાખવાની અને તેને ઉત્કૃષ્ટ બનાવવાની પણ છે. જ્યારે આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ છીએ, ત્યારે આપણે માત્ર અકસ્માતોથી બચતા નથી, પરંતુ એક સુવ્યવસ્થિત સમાજનું નિર્માણ પણ કરીએ છીએ. જ્યારે આપણે કચરો કચરાપેટીમાં નાખીએ છીએ, ત્યારે આપણે આપણા ગામ/શહેરને સ્વચ્છ રાખવામાં મદદ કરીએ છીએ. આ નાનકડા કાર્યો દેશભક્તિના જ ભાગ છે. એક નાગરિક તરીકે આપણે આપણા બાળકોને સારું શિક્ષણ આપીએ છીએ, તેમને સંસ્કાર આપીએ છીએ અને તેમને જવાબદાર નાગરિક બનવાનું શીખવીએ છીએ, જે દેશના ભવિષ્ય માટે અત્યંત જરૂરી છે.
આપણા નાગરિક ધર્મો અને તેના ફાયદાઃ
મતદાનઃ દરેક નાગરિકનો અધિકાર છે કે તે મતદાન કરે. મતદાન દ્વારા આપણે દેશની રાજકીય અને સામાજિક દિશા નક્કી કરીએ છીએ. મતદાન એ માત્ર અધિકાર નથી, પરંતુ એક જવાબદારી પણ છે.
નિયમિત કર ભરવોઃ કરવેરા દ્વારા એકત્ર થયેલા નાણાંનો ઉપયોગ દેશના વિકાસ કાર્યો, જેમ કે રસ્તાઓનું નિર્માણ, શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને સંરક્ષણ પાછળ થાય છે. કર ચોરી કરવી એ દેશદ્રોહ સમાન છે.
સ્વચ્છતાઃ સ્વચ્છતા એ માત્ર વ્યક્તિગત નહીં, પરંતુ સામાજિક જવાબદારી છે. જ્યારે આપણે આપણા ઘર, શેરી અને શહેરને સ્વચ્છ રાખીએ છીએ, ત્યારે આપણે સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ છીએ.
જાહેર સંપત્તિનું રક્ષણઃ બસ, ટ્રેન, બગીચા, શાળાઓ જેવી જાહેર સંપત્તિ આપણા બધાની છે. તેનું નુકસાન કરવું એ પોતાના જ દેશનું નુકસાન કરવા જેવું છે.
કાયદાનું પાલનઃ કાયદાનું પાલન કરવું એ સુવ્યવસ્થિત સમાજ માટે આવશ્યક છે. કાયદો બધા માટે સમાન છે અને તેનું ઉલ્લંઘન કરવાથી સમાજમાં અરાજકતા ફેલાય છે.
આ બધા ઉદાહરણો દર્શાવે છે કે સાચી દેશભક્તિનો અર્થ સૈનિકની જેમ ગોળી ખાવાનો જ નથી. દેશ માટે જીવવું, દેશને પ્રેમ કરવો અને દેશના વિકાસમાં યોગદાન આપવું એ પણ ખરી દેશભક્તિ છે. જ્યારે આપણે નાગરિક તરીકે આપણી ફરજોનું પાલન કરીએ છીએ, ત્યારે આપણે દેશના વિકાસમાં સીધું યોગદાન આપીએ છીએ. એક સારો નાગરિક જ એક સારો સમાજ બનાવે છે અને સારા સમાજોથી જ એક સારૂં રાષ્ટ્ર બને છે.
આપણે સૌ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ ત્યારે એક પ્રતિજ્ઞા લઈએ કે આપણે એક જવાબદાર નાગરિક બનીશું. આપણે આપણા દેશને સ્વચ્છ, સમૃદ્ધ અને સશક્ત બનાવવા માટે આપણા નાગરિક ધર્મનું પાલન કરીશું. સાચા અર્થમાં દેશભક્તિ એ આપણા રોજિંદા જીવનમાં છે, આપણા નાના નાના કાર્યોમાં છે. ચાલો, આ સ્વતંત્રતા દિવસે આપણે નાગરિક તરીકેની આપણી જવાબદારીઓને સમજીએ અને તેનું પાલન કરીએ, કારણ કે નાગરિક ધર્મ નિભાવવો એ પણ ખરી દેશભક્તિ છે. ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭