ગુજરાતમાં દારૂબંધીની વિરુદ્ધમાં બોલવું અને લખવું એ જોખમ છે, ગાંધીવાદીઓ તમને દારૂડિયા ગણી લે છે. દારૂબંધીના સમર્થનમાં બોલો તો તમને ગાંધીવાદી ગણી લેવામાં આવે છે. ચંદ્રકાંત બક્ષીએ લખેલું કે ‘દારૂબંધી સારી વસ્તુ છે પણ દારૂબંધીનો નશો ખરાબ વસ્તુ છે. માણસને સુધારવો એ દારૂબંધીનો આશય હતો. સમાજને ભ્રષ્ટ અને બદમાશ બનાવી દેવો એ દારૂબંધીનો અંજામ છે. ગુજરાતના ગાંધીવાદી નેતાઓ દારૂબંધીના નશામાં ચકચૂર થઇ ગયા છે.’ એક વખત ઇન્દિરા ગાંધીએ ઇન્ટરવ્યુંમાં ઉદ્યોગપતિઓની ફ્રી માર્કેટની માંગણીની વાતમાં સંદર્ભ ટાંકતા કહ્યું હતું કે ‘ગેરકાયદે દારુ ગાળનારા હમેશા દારુબંધીને ટેકો આપે છે.’ થોડા સમય પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે નિવેદન કર્યું હતું કે ગુજરાતમાં ઘેર ઘેર દારૂ મળે છે. ત્યારે ગુજરાતની ભાજપી નેતાગીરી આ વિધાન પર તૂટી પડી હતી. ગુજરાતની અસ્મિતાનો પ્રશ્ન બનાવી દીધો હતો. સમાજશાસ્ત્રી અને લેખક શ્રી વિદ્યુત જોશી કહે છે કે દારુબંધીને કાયદાથી સફળ ન બનાવી શકાય, એ માટે સમાજ સુધારણા થવી જોઈએ. દારૂબંધીના સમર્થન અને વિરોધમાં અનેક તર્ક મૂકી શકાય છે. ગુજરાતમાં કાયદાથી દારૂબંધી છે. કોઈપણ કાયદાની અસરકારકતા આખરે તેના અમલીકરણને આધારે હોય છે. સખત અમલીકરણની ગેરહાજરીમાં તાકાતવર કાયદાની ઉપરથી કુદી જાય છે અને નબળો કાયદાની નીચેથી સરકી જાય છે.

સમાજજીવનની જરૂરિયાત મુજબ તેના કાયદાઓ ઘડાતા હોય છે. કાયદો માનવજાતે પેદા કરેલ એક મહત્વની વ્યવસ્થા છે, જે માનવજાતના ઉદભવ સાથે ચાલી આવે છે. માણસ સમૂહ્જીવનમાં રહેતો થયો ત્યારથી અરસપરસ વર્તનના નિયમો નક્કી કરતો આવ્યો છે, જેથી કરીને સમૂહજીવન બધાના માટે સરળ બની રહે. ઇસવીસન પૂર્વે ૧૭૯૨થી ૧૭૫૦ દરમિયાન એમોરાઇટ રાજવંશના બેબિલોનીયન પ્રજાના છઠ્ઠા શાસક હમ્મુરાબીએ ૩૦૦ જેટલા કાયદાઓ ઘડ્યા હતા. વિશ્વ ઇતિહાસનો કાયદા ઘડનાર એ પ્રથમ શાસક હતો. એણે આ કાયદાઓ પથ્થર પર ખોદાવ્યા હતા. આ કાયદાઓ એણે જુના સુમેરિયન કાયદાઓ સુધારીને લખાવ્યા હતા. આ કાયદાઓમાં મુખ્યત્વે વેતન નક્કી કરતા નિયમો, કરવેરાના કાયદાઓ અને નિયમો, વંચિતોને રક્ષણ આપતા કાયદાઓ, લગ્નજીવનને લગતા કાયદાઓ, આ કાયદાઓમાં શસ્ત્રક્રિયા કરતા દર્દીનું મૃત્યુ થાય તો ડોક્ટરને સજા અને દારૂના પીઠામાં પ્રવેશ કરે તો સાધ્વીને મૃત્યુદંડની જોગવાઈ હતી. વિશ્વનો પ્રથમ કાયદો હતો, ‘બદલો’, હમ્મુરાબીએ આ કાયદાને અનુસરતા ‘આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત’ નો સિધ્ધાંત અનુસરીને કાયદાઓ ઘડ્યા હતા.

આધુનિક સમયમાં કાયદાનું સ્વરૂપ પણ આધુનિક બન્યું છે. અમુક રૂઢિઓ અને કાયદાઓ પરંપરાગત ઉતરી આવે છે. અમુક કાયદાઓ જે તે સમાજ કે દેશના ઈતિહાસપુરુષના જીવન ચરિત્ર્યને ધ્યાને રાખીને કે એમના સિદ્ધાંતો, મુલ્યો અને પ્રેરણાના આધારે ઘડવામાં આવે છે. ગાંધીજીની જન્મભૂમિના નાતે ગુજરાત ગાંધીનું ગુજરાત કહેવાય છે. ગાંધીજી દારૂના સખત વિરોધી હતા. જીવનભર એણે દારૂબંધીની હિમાયત કરી. ગાંધી મૂલ્યોનું જતન કરવું એ ગુજરાતની પહેલી ફરજ હોવી જોઈએ. ગુજરાતમાં સ્થાપના વર્ષ ૧૯૬૦થી દારૂબંધી છે. ગાંધીજી આઝાદી બાદ તુરંત ગયા હતા એટલે માત્ર ગાંધી મુલ્યો સાચવવા દારૂબંધી છે એ તર્ક સંપૂર્ણ સાચો નથી. અથવા તો ગાંધીજીના નામે દારૂબંધી છે એ વાત સંપૂર્ણ સાચી નથી. દારૂબંધી ગુજરાતની સ્થાપના અને આઝાદી પહેલા અંગ્રેજો દ્વારા પણ લાદવામાં આવી હતી. એ દારૂબંધી પાછળનો આશય માત્ર રેવન્યુનો હતો. અંગ્રેજોનો આશય હતો કે સરકાર સિવાય બીજા કોઈ દારૂ બનાવી કે વેચાણ ન કરી શકવા જોઈએ.

ગુજરાતમાં કે દેશના અન્ય કોઈ ભાગમાં લઠ્ઠાકાંડ કોઈ નવી બાબત નથી. જયારે જયારે લઠ્ઠાકાંડ થાય છે ત્યારે દારૂબંધીની ચર્ચાઓ થાય છે. ગીધ અને ઝરખની પ્રકૃતિની રાજનીતિ પણ થાય છે. નાની પાર્ટીના નાના લીડરો ઊંચા અવાજે સરકાર સામે કોરસ ગાય છે. પાનવાળાની દુકાને પાનનો ઓર્ડર આપતા હોય એવા ભાવથી સરકારનું રાજીનામું મંગાય છે. સરકાર તરફેથી કાયદાના અસરકારક અમલની ખાતરીઓ અપાય છે. આવા કાંડમાં ગરીબ અને નાનો માણસ મરે છે. દારૂબંધી હટાવવી કે નહિ એ સરકારનો નીતિ વિષયક નિર્ણય હોઈ શકે છે. પણ દારૂબંધીની અમલવારી સરકારનો નીતિવિષયક નહિ પણ નૈતિક વિષય છે. બારેમાસ દારૂ પીતા વિશ્વના કોઈ દેશોમાં ક્યારેય લઠ્ઠાકાંડ થતા નથી. આપણી દારૂબંધી કરતા ત્યાના દારૂ પીવાના નિયમો ખુબ આકરા છે. ગુજરાતમાં મુંબઈ વિદેશી દારૂના નિયમો ૧૯૫૩ના નિયમ ૬૪ અંતર્ગત કોઈપણ ૪૦ વર્ષથી ઉપરની વ્યક્તિ કે જેની માસિક આવક ૨૫૦૦૦થી વધુ હોય તેને નિયત નમૂનાનું ફોર્મ જિલ્લા કચેરીએથી ૨૦૦૦ રૂપિયાની ફી ભરીને મળી શકે છે. આરોગ્ય તપાસણી ફી રૂપિયા ૨૦૦૦ અલગથી ભરવાની રહે છે, જેથી સરકારી ડોક્ટર તમને આરોગ્ય સબંધિત કોઈ સમસ્યામાં દારૂના સેવન કરવા માટેનો દાખલો કાઢી આપે છે. જેના આધારે તમને દારૂ પીવાની કાયમી પરમીટ મળી જાય છે. આ લાંબી પ્રક્રિયામાં ન પડવું હોય તો બુટલેગર સહેલાઈથી આ કામ કરી આપે છે.

જે દેશોની ઈકોનોમી શરાબ આધારિત છે, જેમકે સ્કોટલેન્ડ, એવા દેશોમાં પણ લઠ્ઠાકાંડ થતા નથી. હિન્દુસ્તાનમાં કદાચ દારૂ અને જિંદગી બંને સસ્તી છે. ઈંગ્લેન્ડમાં તમને ચોક્કસ સમય સિવાય દારૂ નથી મળી શકતો, કે પીવા માટે પબ ચોક્કસ સમય સિવાય ખુલ્લા નથી રાખી શકાતા. શરાબ નહિ પીવા કરતા પીવાના નિયમો વધારે ચુસ્ત છે. લાયસન્સીંગનો કાયદો સખત છે. જ્યાં લગભગ આખો પુખ્ત વયનો દેશ શરાબ પીતો હોય ત્યાં લઠ્ઠાકાંડ ન થાય અને જ્યાં શરાબબંધી હોય ત્યાં છાસવારે થાય તો વાજબી તર્ક છે કે આપણી દારૂબંધી ભૂલભરેલી છે. દારૂની છૂટછાટ વાળા ગુજરાતની આજુબાજુના રાજ્યોની સામાજિક શાંતિ અને સલામતી ગુજરાત જેવી જ છે. આર્થિક પ્રગતિમાં મહારાષ્ટ્ર જેવું રાજ્ય તો ગુજરાત કરતા પણ આગળ છે. એટલે, ગાંધી મુલ્યોને અનુસરવાની ઘણી બધી જગ્યાઓ છે… ખાસ કરીને નેતાઓ માટે.

ક્વિક નોટ — “જેને દૂધ પીવામાં બાધ ન હોય એને ઈંડા ખાવામાં પણ બાધ ન હોવો જોઈએ.” વેલ…. આ વિધાન પણ ગાંધીજીનું જ છે.