નવસારી મનપાના આઉટર વિસ્તારમાં ૧૧૨ કરોડના ખર્ચે પાણી અને ડ્રેનેજ નેટવર્ક થી ૨૫ હજારથી વધુ લોકોને લાભ થશે.નવસારીમાં નવા ડ્રેનેજ નેટવર્ક અને વોટર સપ્લાય નેટવર્કથી પીવાના પાણી અને આરોગ્યને લગતી સમસ્યામાંથી રાહત મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર શહેરીકરણને વેગ આપવાની સાથે નાગરિકોના ઇઝ ઓફ લિવિંગને વધારવા માટે પ્રતિબદ્ધ છે.રાજ્ય સરકાર  શહેરોના વિસ્તરણ સાથે નવા જોડાતા વિસ્તારોમાં પાણી પુરવઠો, ડ્રેનેજ પાઇપલાઇન, રોડ અને સ્વચ્છતા જેવી મૂળભૂત નાગરિક સુવિધાઓ સુનિશ્ચિત કરી રહી છે. આ અંતર્ગત તાજેતરમાં નવસારી મહાનગરપાલિકાએ ૧૧૨ કરોડ રૂપિયાનો પાણી પુરવઠા અને ડ્રેનેજ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે, ૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ નવસારીમાં મહાપાલિકા અમલી બની હતી, જેમાં અગાઉના નવસારી વિજલપોર પાલિકા વિસ્તાર સાથે નજીકના ૪ ગામો એરુ, ધારાગીરી, દાંતેજ અને હાંસાપોરને સમાવી લેવામાં આવ્યા હતા. શહેરના આ આઉટર વિસ્તારોમાં ચોખ્ખા પીવાના પાણીની અને ડ્રેનેજ લાઇનના અભાવના કારણે પીવાના પાણી અને ડ્રેનેજ લાઇનની ગંભીર સમસ્યા હતી. આ સમસ્યાઓના કાયમી ઉકેલ માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારોમાં આશરે ૧૧૨ કરોડના ખર્ચે એક નવું પાણી પુરવઠા અને ડ્રેનેજ નેટવર્ક બનાવવામાં આવી રહ્યું છે.

આ પ્રોજેક્ટ હેઠળ, મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર નવી પાણી અને ડ્રેનેજ પાઇપલાઇન, ઓવરહેડ ટાંકી અને અંડરગ્રાઉન્ડ સંપ, ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન, સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નવો વાટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી આધુનિક માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવશે. તેના કારણે ૨૫,૦૦૦થી વધુ સ્થાનિકોને પીવાના પાણીની સમસ્યા તેમજ ગંદા પાણીના નિકાલની સમસ્યા માંથી મોટી રાહત મળશે. ખાસ તો, બાળકોમાં આરોગ્યને લગતી સમસ્યાઓનો પણ અંત આવશે.

નવસારીમાં પાણી પુરવઠા અને નવું ડ્રેનેજ નેટવર્ક માત્ર માળખાકીય સુવિધાઓમાં સુધારો નહીં કરે, પરંતુ શહેરને સ્વચ્છ, સલામત અને આધુનિક બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું પણ સાબિત થશે. નવસારી મનપા વિસ્તારમાં જે ચાર ગામો જોડવામાં આવ્યા  છે તેમાં રોડ, લાઇટ, ડ્રેનેજ પાણી ના નવા નેટવર્ક ઉપરાંત ગાર્ડન, તળાવોનો વિકાસ કરી વિહારધામનું નિર્માણ, સિવિક સેન્ટર અને સફાઈ માટે ડસ્ટબિન વિતરણનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

નવસારી મહાનગરપાલિકાના કમિશનર  દેવ ચૌધરીએ આ પ્રોજેક્ટ અંગે જણાવ્યું કે, “નવા વર્ષે નવસારી મહાનગરપાલિકા શહેરમાં પાયાની સુવિધાઓ પર વિશેષ ધ્યાન આપી રહી છે. તેમાં ડ્રેનેજ, રસ્તાઓ, સ્ટોર્મ વાટર અને પાણી ની વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આ જ ઉદ્દેશથી શહેરથી જાડાયેલા ચાર ગામોમાં ડ્રેનેજ, પાણી અને સ્ટોર્મ વાટરનું સમગ્ર નેટવર્ક નાખવાની યોજના બનાવવામાં આવી છે. પહેલા ચરણમાં આ ચાર ગામોમાં ડ્રેનેજ અને વાટર સપ્લાયનું કામ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ નિર્ધારિત સમયરેખા મુજબ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે, જેનાથી લોકોને ટૂંક સમયમાં રાહત મળશે અને સુખાકારીમાં વધારો થશે.”

વર્ષ ૨૦૦૫માં ગુજરાતના તત્કાલીન માન.મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ પહેલી વખત ‘શહેરી વિકાસ વર્ષ’ની ઉજવણી કરી હતી અને શહેરી વિકાસના પ્રયાસો વધુ મજબૂત બનાવવા માટે વિવિધ પહેલો હાથ ધરી હતી.માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી આ વિકાસ યાત્રાને વેગ આપવા કટિબદ્ધ છે.