નવસારી જિલ્લાના તવડીથી ભીનાર માર્ગ પર સ્થિત સાગરા ઓવરબ્રિજ પર આજે વહેલી સવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો. ઓવરસ્પીડમાં દોડતી કાર અને સામેથી આવતી બાઈક વચ્ચે થયેલી જારદાર અથડામણમાં બાઈક સવાર પિતા–પુત્રનું ઘટનાસ્થળે મોત થયું હતું. ઘટના બાદ વિસ્તારમાં ક્ષણોમાં જ ચકચાર મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ કાર ચાલક મોબાઇલ ફોન પર વાત કરી રહ્યો હતો, જેના કારણે તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર સીધી સામેથી આવતી બાઈક પર ચઢી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર સાગરા ઓવરબ્રિજની દીવાલ સાથે પણ ભટકાઈ હતી. અથડામણમાં બાઈક સવાર પિતા બ્રિજ પર જ જારથી પટકાયા હતા, જ્યારે તેમના નાબાલિક પુત્રને ઝટકો લાગતાં તે બ્રિજ પરથી નીચે ખાબક્યો હતો. બંનેએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો.કાર ચાલકને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ વાહનોનાં અવશેષો બ્રિજ પર ફેલાઈ જતાં ટ્રાફિકને થોડો સમય માટે અટકાવવો પડ્યો હતો.
મરોલી પોલીસ તંત્રને ઘટનાની જાણ થતા જ દોડી આવ્યું હતું. પોલીસ દ્વારા બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મરોલી સીએચસી ખાતે મોકલવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ અકસ્માતનું મુખ્ય કારણ કાર ચાલકની બેદરકારી અને ઓવરસ્પીડ હોવાનું સામે આવ્યું છે. પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી દીધી છે.
મરોલી પોલીસ સ્ટેશનના પીઆઇ ડીજે પટેલે જણાવ્યું હતું કે, મરોલીના સાગરા ઓવરબ્રિજ પાસે આજે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં કારચાલક અને બાઇક ચાલક વચ્ચે સામસામે અથડામણ થતા બાઈક પર સવાર પિતા પુત્રનું ઘટનાસ્થળે મોત થયું છે. હાલ પોલીસે મૃતકોના મૃતદેહને પીએમ અર્થે સીએસસી ખાતે મોકલી દેવામાં આવ્યા છે. હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ દુર્ઘટનાએ ફરીવાર સાબિત કર્યું છે કે, મોબાઇલ પર વાતચીત અને ઓવરસ્પીડ ડ્રાઈવિંગ જીવલેણ સાબિત થઈ શકે છે. પોલીસે વાહનચાલકોને સતર્ક રહેવાની અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.









































