યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
નવરાત્રિ હિંદુ સંસ્કૃતિનું અતિ મહત્વપૂર્ણ અને લોકપ્રિય પર્વ છે. “નવરાત્રિ”નો અર્થ નવ રાત્રિ, એટલે કે માતા દુર્ગાના વિવિધ નવ સ્વરૂપોની આરાધના કરવાનો પાવન અવસર છે. આ પર્વ શ્રદ્ધા, ભક્તિ અને આનંદનો સંગમ છે, જ્યાં આસ્થા સાથે ઉત્સાહ અને ઉજવણી જોડાયેલી છે. નવરાત્રિ દરમ્યાન લોકો ઉપવાસ, જાપ, ભજન અને આરતી દ્વારા દેવીની આરાધના કરે છે. માતાના નવ સ્વરૂપો — શૈલપુત્રીથી લઈને સિદ્ધિદાત્રી સુધીની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસનો રંગ અને તેની વિશેષતા હોય છે, જેને અનુરૂપ ભક્તો પોતાના વસ્ત્રો પહેરે છે. ગુજરાતની નવરાત્રિ ગરબા અને દાંડિયા-રાસ માટે વિશ્વપ્રસિદ્ધ છે. સંગીતના તાલે, માધુર્યભર્યા ગીતો પર થનગનાટ સાથે ગરબે રમતા યુવક-યુવતીઓ આ પર્વને અનોખો રંગ આપે છે. મંદિરોથી લઈને મહોલ્લાઓ સુધી માતાજીની આરતી અને ગરબાના સૂર ગુંજે છે.
નવરાત્રિનું સાચુ મહત્વ એ છે કે તે આપણને ‘અસત્ય પર સત્યનો વિજય’ અને ‘અધર્મ પર ધર્મના વિજય’નો સંદેશ આપે છે. આ પર્વ આપણામાં આત્મવિશ્વાસ, શ્રદ્ધા અને સંસ્કારનું બીજ વાવે છે. નારી એ શક્તિ અને લક્ષ્મીનું સ્વરૂપ છે. ઘર, કુટુંબ અને સમાજમાં નારીનું સન્માન થાય, નારી થકી નર ઉજળા હોય છે. “યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ”- અર્થાત્ જે ઘરમાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતા નિવાસ કરે છે. આપણા ઇતિહાસમાં સીતા માતા, સતી સાવિત્રી, સતી તોરલ વગેરે નારીઓના સમર્પણથી તેઓએ નારીને ઉદ્ધારક અને સુધારક તરીકેની ભૂમિકાની ભજવેલી છે. “તોરલે ત્રણ નર તારીયા, સાસટીયોને સધિર, જેસલ જગનો ચોરટો પળમાં કીધો પીર.” આમ જગતમાં દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનું ખૂબ મોટું યોગદાન હોય છે. પછી એ સ્ત્રી માતા, પત્ની, પુત્રી કે બહેન એમ કોઈપણ સ્વરૂપે હોય છે. ત્યારે આ નવરાત્રિનું પર્વ આપણને શક્તિ ઉપાસનાનો સંદેશ આપે છે. આ રીતે નવરાત્રિ માત્ર ધાર્મિક પર્વ જ નહીં પરંતુ સામાજિક એકતા, સંગઠન અને જીવનમાં આનંદના રંગ ભરી દે તેવો લોકોત્સવ પણ છે. “જ્યાં ભક્તિ છે, ત્યાં શક્તિ છે; અને જ્યાં શક્તિ છે, ત્યાં વિજય નિશ્ચિત છે.” નવરાત્રિ – પ્રેરણાનું પર્વ છે. નવરાત્રિ માત્ર આરતી, જાપ કે ગરબા સુધી મર્યાદિત નથી. આ પર્વ આપણને જીવન જીવવાની ઊંડાણભરી પ્રેરણા આપે છે. નવ દિવસ સુધી દેવીના નવ સ્વરૂપોની પૂજા એ સંદેશ આપે છે કે જીવનમાં વિવિધ પડકારો સામે લડવા માટે આપણામાં અનેક શક્તિઓ રહેલી છે. માતા શૈલપુત્રી આપણને સ્થિરતા અને સંકલ્પ શીખવે છે, બ્રહ્મચારિણી તપશ્ચર્યાની પ્રેરણા આપે છે, ચંદ્રઘંટા શાંતિ અને શૌર્યનું સંયોજન કરવાનું સમજાવે છે. કુષ્માંડા સૃજનશક્તિનું પ્રતિક છે, તો સ્કંદમાતા નિઃસ્વાર્થ પ્રેમની મીઠાશ દર્શાવે છે. કાત્યાયની દુષ્ટતાનો નાશ કરીને ધર્મને જાળવી રાખે છે, કાળરાત્રિ અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય છે. મહાગૌરી પવિત્રતા અને સૌંદર્યનું પ્રતિક છે અને સિદ્ધિદાત્રી અંતિમ મુકામ એટલે કે પૂર્ણતા તરફ દોરી જાય છે. આ નવ શક્તિઓ જીવનમાં પ્રેરણા આપે છે કે મુશ્કેલી આવે તો પણ હિંમત હારવી નહિ. અંધકાર કેટલો પણ ઘેરો હોય, અંતે પ્રકાશ નિશ્ચિત છે. પ્રેમ, કરુણા અને ધૈર્યથી જીવન ઉજ્જવળ બની શકે છે. સંકલ્પ, શ્રદ્ધા અને શ્રમથી જ સિદ્ધિ મળે છે.
ગુજરાતની ધરતી પર નવરાત્રિ “ગરબા” રૂપે એકતાનું પ્રતિક બની રહે છે. રાસ-ગરબાના તાલ આપણને શીખવે છે કે જીવન એક સંગીત છે, જેમાં દરેકે પોતાનો તાલ પકડી રાખવો જરૂરી છે. નવરાત્રિનો સાચો અર્થ એ છે કે આપણે આપણી અંદર રહેલી નકારાત્મકતાઓને હરાવીને સકારાત્મકતા તરફ આગળ વધવું. શક્તિ બહાર શોધવાની નથી, તે તો આપણી અંદર જ છે. નવરાત્રિ એ શક્તિને જગાડવાનો પાવન અવસર છે. નવરાત્રિ એ પુરુષ, સ્ત્રી, નાના, મોટા, બાળકો, યુવાનો, બુજુર્ગો સૌ માટે પ્રેરણાનું પર્વ છે. આજથી શરૂ થતું માઁ જગદંબા, માઁ ખોડલ, માઁ ભગવતીની પૂજા અર્ચનાનું આ નવલા નોરતાંનું પર્વ આપ સૌના જીવનમાં ભક્તિના માધ્યમથી સર્વ પ્રકારના સુખ શાંતિ માટેની શક્તિ પ્રદાન કરે એવી શુભકામના અને આપ સૌના જીવનમાં મનવાંછિત ફલ પ્રાપ્ત થાય એવી સફળતાની શુભેચ્છા સાથે સૌ ને હેપી નવરાત્રિ….. જય માતાજી.
નવરાત્રિ આવી આશાનો દીપ પ્રગટાવી,
મનમાંથી અંધકારને દૂર હંફાવી.
શક્તિનો સંદેશે દરેકને સમજાવે,
નવરાત્રિ જીવનમાં નવ દીપો પ્રગટાવે.
સંકલ્પથી સપના સિદ્ધિ સુધી લઈ જાય,
હિંમતના પગલાંથી મનને જીતાડે.
આભાર – નિહારીકા રવિયા












































