છેલ્લા કેટલાક દિવસોથી ભાવનગર અને સોશિયલ મીડિયા પર જાહેરાતે ભારે જોર પકડ્યું છે. બગદાણાના સેવક નવનીત બાલધિયા વિવાદમાં પૂજ્ય મોરારી બાપુએ સમાધાન કરાવ્યું હોવાના દાવા સાથેના પોસ્ટર્સ વાયરલ થયા હતા. જોકે, આ વિવાદમાં હવે ખુદ મોરારી બાપુએ સ્પષ્ટતા કરતા અફવા ફેલાવનારાઓની બોલતી બંધ થઈ ગઈ છે.

ભાવનગરમાં નવનીત બાલધિયા વિવાદમાં ઘેરાયેલા છે, ત્યારે અચાનક સોશિયલ મીડિયા પર એક પોસ્ટર વાયરલ થયું. આ પોસ્ટરમાં એવું દર્શાવવામાં આવ્યું કે મોરારી બાપુએ આ મામલે મધ્યસ્થી કરી સમાધાન કરાવી દીધું છે. પોસ્ટરમાં બાપુ કોઈના ખબર-અંતર પૂછતા હોય તેવો ફોટો મૂકવામાં આવ્યો હતો. આ પોસ્ટર જોતા જ લોકોમાં એવી ચર્ચા શરૂ થઈ કે શું ખરેખર બાપુએ આ વિવાદમાં એન્ટ્રી કરી છે?

મૌન તોડતા મોરારી બાપુએ જણાવ્યું કે, “હું છેલ્લા ૯ દિવસથી બિહારમાં રામકથા કરી રહ્યો છું અને હાલ પણ બિહારમાં જ છું. મારો જે ફોટો વાયરલ કરવામાં આવ્યો છે, તેમાં છેડછાડ કરીને મને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. હું કોઈનું સમાધાન કરાવી રહ્યો હોય તે વાત તદ્દન પાયાવિહોણી છે. અફવાઓથી પરેશાન ભક્તોને માર્ગદર્શન આપતા બાપુએ હળવા અંદાજમાં એક મંત્ર આપ્યો હતો. તેમણે કહ્યું કે, “જો કોઈ તમારા વિશે ખોટી માહિતી ફેલાવે તો તેને જાણી જાઈને અવગણો. તેના માટેનો મંત્ર છે- ઓમ ઈગ્નોરાય નમઃ.” બાપુની આ સ્પષ્ટતા બાદ હવે સાબિત થઈ ગયું છે કે વાયરલ પોસ્ટર ફેક હતું અને તેનો હેતુ માત્ર ગેરસમજ ફેલાવવાનો હતો.