ભાવનગરમાં બગદાણાના નવનીત બાલધિયા પર હુમલો થયા પછી તેને ન્યાય અપાવવા કોળી સમાજના એક પછી એક આગેવાનો મેદાને પડવા લાગ્યા છે. કોળી સમાજના રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી તેના પડખે આવ્યા પછી બીજાને પણ લાગ્યું છે કે અમે ક્યાંક રહી જઇશું એટલે તેઓ પણ નવનીત બાલધિયાને ન્યાય અપાવવા કૂદી પડ્યા છે. તેમા આમ આદમી પાર્ટીના આગેવાન રાજુ સોલંકી અને બીજા સામાજિક આગેવાનોનો પણ સમાવેશ થાય છે. ધારાસભ્ય હીરા સોલંકી ની આગેવાની હેઠળ ૧૫ ધારાસભ્યો અને ત્રણ સાંસદો ગૃહપ્રધાન અને સીએમ ભુપેન્દ્ર પટેલને પણ આ મુદ્દે મળી ચૂક્યા છે અને ન્યાયની ખાતરી માંગી હતી.
હીરા સોલંકીની રજૂઆત ઓછી પડતી લાગતી હોય તેમ હવે કોળી સમાજના વકીલોએ નવનીત બાલધિયાને ન્યાય અપાવવા ઝંપલાવ્યુ છે. ભાવનગરમાં ધર્મેન્દ્રભાઈ ડાભીની ઓફિસમાં કોળી સમાજના વકીલોની મીટિંગ મળી હતી. તેમણે કેસ પેપર પર અભ્યાસ કર્યો છે. વકીલોની લીગલ ટીમ આગામી ૧૦ જાન્યુઆરીએ ઘટનાસ્થળે જઈને જાત તપાસ કરશે અને હુમલાનો ભોગ બનેલા નવનીત બાલધિયાને મળીને સમગ્ર ઘટનાની જાણકારી મેળવશે. કોળી સમાજના વકીલોની લીગલ ટીમ નવનીત બાલધિયાના દીકરાને પણ મળવાની છે અને મુખ્ય કાવતરાખોરની દિશામાં જાત તપાસ કરશે. આ તપાસ પછી કોળી સમાજના વકીલોની લીગલ ટીમ આ મુદ્દે એસઆઇટીને મળીને નવનીતભાઈને ન્યાય મળે તે માટે રજૂઆત કરશે.
જાણીતા માયાભાઈ આહિરે જણાવ્યું હતું કે યોગેશ સાગર બગદાણા ધામના મેનેજિંગ ટ્રસ્ટી છે, પણ વાસ્તવમાં તે ટ્રસ્ટી જ છે. આ યોગેશ સાગર મુંબઈ ભાજપના વિધાનસભ્ય પણ છે અને બગદાણા ધામના ટ્રસ્ટી પણ છે. તેથી હવે તેઓને થયુ હોઈ શકે છે કે નવનીત બલોધિયાને કોણે ડહાપણ ડહોળવાનું કહ્યુ હતું કે ટ્રસ્ટી અને મેનેજિંગ ટ્રસ્ટી વચ્ચેનો તે ફોડ પાડે.
ભાવનગર જિલ્લાના બગદાણા વિવાદે હવે ગંભીર રાજકીય વળાંક લીધો છે. પીડિત યુવકને ન્યાય અપાવવાના મુદ્દે રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે. અગાઉ કેટલાક નેતાઓ અને સંગઠનો દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારબાદ હવે ગારીયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ ખુલ્લેઆમ પીડિત યુવકના સમર્થનમાં આવ્યા છે.
ધારાસભ્ય સુધીર વાઘાણીએ હનુમાન હોસ્પિટલ ખાતે જઈ પીડિત યુવકની મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં તેમણે યુવકની સારવાર, તેની હાલત અને સમગ્ર ઘટનાની વિગતો અંગે પરિવારજનો સાથે ચર્ચા કરી હતી. મુલાકાત બાદ ધારાસભ્ય વાઘાણીએ મીડિયાને સંબોધતાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “આ ઘટનામાં જે કોઈ પણ ચમરબંધી, પ્રભાવશાળી કે રાજકીય પીઠબળ ધરાવતી વ્યક્તિ સંડોવાયેલી હશે, તેની સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવી જ પડશે.”
તેમણે કહ્યું કે આ મામલો માત્ર એક વ્યક્તિનો નહીં, પરંતુ સમાજના ન્યાય અને કાયદાની વિશ્વસનીયતાનો પ્રશ્ન છે. જા આવા બનાવોમાં દોષિતોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવશે, તો તે સામાન્ય નાગરિકોમાં ભય અને અવિશ્વાસ ફેલાવશે. તેથી સરકાર અને વહીવટીતંત્રએ કોઈ પણ દબાણમાં આવ્યા વગર બગદાણા વિવાદ મામલે સખ્ત પગલાં લેવા જાઈએ.
બગદાણા વિવાદને લઈને હવે રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા તેજ બની છે. એક તરફ પીડિતને ન્યાય અપાવવાની માંગ ઉઠી રહી છે, તો બીજી તરફ વહીવટીતંત્ર પર દબાણ પણ વધી રહ્યું છે. સ્થાનિક લોકો અને સામાજિક સંગઠનો પણ આ મુદ્દે નજર રાખી રહ્યા છે અને ન્યાયની માંગ સાથે અવાજ ઉઠાવી રહ્યા છે. હાલ બગદાણા વિવાદ મામલે આગામી દિવસોમાં શું પગલાં લેવાશે અને સરકાર શું નિર્ણય કરશે, તેના પર સૌની નજર ટકી છે. બગદાણા વિવાદ હવે માત્ર સ્થાનિક ઘટના ન રહી, પરંતુ રાજ્ય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે.
નવનીત બાલધિયાનો કેસ જે રીતે આગળ વધી રહ્યો છે તે જાતાં આગામી દિવસોમાં કોળી સમાજના જુદાં-જુદાં દરેક ક્ષેત્રમાં કામ કરતાં લોકો આગળ આવે તો કોઈને આશ્ચર્ય નહીં થાય. દરેક આગેવાનને અચાનક જ નવનીત બાલધિયાની ચિંતા થવા લાગી છે. દરેકને તેને ન્યાય અપાવવો છે. પણ તે જાવું પડશે ફક્ત નવનીત બાલધિયાને જ ન્યાય અપાવવા ચાલેલી આ લડતમાં કોળી સમાજના જ બીજા લોકોને અન્યાય ન થાય. તેમનો અવાજ ક્યાંક આ ન્યાયની લડતમાં દબાઈ ન જાય.





































