નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલે અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે થયેલી મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવી આશા જાગી છે. આ મુલાકાતમાં અજિત ડોવલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં શાંઘાઈ સહયોગ સંગઠન સમિટમાં હાજરી આપવા માટે ચીનની મુલાકાત લેશે, તેથી આજની વાતચીત ખૂબ જ ખાસ છે.ચીનના વિદેશ મંત્રી સાથેની વાતચીત દરમિયાન અજિત ડોભાલે કહ્યું કે સરહદ પર શાંતિ અને Âસ્થરતા પ્રવર્તી છે. તેમણે કહ્યું, “સીમાઓ શાંત છે, શાંતિ અને સંવાદિતા પ્રવર્તી છે. આપણા દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બન્યા છે.” તેમણે ગયા વર્ષે કાઝાનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને વડા પ્રધાન મોદી વચ્ચેની મુલાકાતને પણ યાદ કરી અને કહ્યું કે તે મુલાકાતે દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા આપી છે, જેનાથી વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરવામાં મદદ મળી છે.તે જ સમયે, ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પણ ડોભાલને મળવા પર ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચેના સંબંધોમાં આવેલા ઉતાર-ચઢાવ કોઈપણ દેશના હિતમાં નથી. વાંગે કાઝાન બેઠકનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તે બેઠકે સરહદ વિવાદના યોગ્ય ઉકેલ અને દ્વિપક્ષીય સંબંધોના વિકાસ માટે દિશા નિર્ધારિત કરી છે.
તમને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાત વર્ષ પછી ચીનની મુલાકાતે જવાના છે. તેઓ તિયાનજિન શહેરમાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભાગ લેવા માટે ચીન પહોંચશે. આ સમિટ ૩૧ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી ચાલશે. ૨૦૨૦ ના ગાલવાન સંઘર્ષ પછી વડાપ્રધાન મોદીની આ મુલાકાત પહેલી મુલાકાત હશે. આ વખતે ચીન એસસીઓનું પ્રમુખ છે. રશિયા, ચીન, પાકિસ્તાન, ઈરાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન જેવા દેશોના ટોચના નેતાઓ આ સમિટમાં ભાગ લેશે.