નડિયાદ શહેર (જિ.) કોંગ્રેસ સમિતિના પ્રમુખ હાર્દિક ભટ્ટે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટાચાર અને કર્મચારીઓના શોષણના મામલે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક આવેદનપત્ર મોકલીને આ સમગ્ર પ્રકરણની સીબીઆઈ તપાસની માંગ કરી છે. હાર્દિક ભટ્ટે જણાવ્યું કે પૂર્વ નગરપાલિકાના શાસકો, અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે અને અનેક કર્મચારીઓને અન્યાય થયો છે.હાર્દિક ભટ્ટે આક્ષેપ કર્યો કે છેલ્લા ૧૪ વર્ષથી નગરપાલિકામાં ૧૧ મહિનાના કરાર પર કામ કરતા કર્મચારીઓને મજૂર કાયદા મુજબ મળવાપાત્ર લઘુત્તમ વેતન અને અન્ય લાભો આપવામાં આવતા નથી. નગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટર એજન્સીઓને કર્મચારીઓના પગાર પેટે જે રકમ ચૂકવવામાં આવે છે, તેમાંથી મોટા ભાગના નાણાં ભ્રષ્ટાચાર આચરનારાઓના ખિસ્સામાં જાય છે. કર્મચારીઓને નકલી પગાર સ્લીપ્સ અને ખોટા રબર સ્ટેમ્પનો ઉપયોગ કરીને છેતરવામાં આવ્યા છે, જેના કારણે તેમને ભારે આર્થિક નુકસાન થયું છે. આ સિવાય, પ્રોવિડન્ટ ફંડ અને અન્ય કાયદેસરના લાભો પણ આપવામાં આવ્યા નથી.હાર્દિક ભટ્ટે આ કૌભાંડને ઉજાગર કરવા માટે ફેબ્રુઆરી ૨૦૨૫માં માહિતી અધિકાર અધિનિયમ હેઠળ વિગતવાર માહિતી માંગી હતી. જાકે તેમને માત્ર અધૂરી અને ગેરમાર્ગે દોરતી માહિતી આપવામાં આવી. કર્મચારીઓના સાચા પગાર, એજન્સીઓને ચૂકવાયેલ રકમ અને અન્ય નાણાકીય વ્યવહારોની વિગતો જાણી જાઈને છુપાવવામાં આવી. આ પછી માર્ચ ૨૦૨૫માં કરવામાં આવેલી પ્રથમ અપીલમાં પણ અપીલ અધિકારીએ કોઈ યોગ્ય જવાબ આપ્યો નહિ અને ખોટા દસ્તાવેજા રજૂ કર્યા. આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે આ કૌભાંડમાં મોટા માથાઓ સંડોવાયેલા છે અને સત્ય છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ આવેદનપત્રમાં હાર્દિક ભટ્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે નડિયાદની પ્રજાને અને કર્મચારીઓને ન્યાય અપાવવા માટે આ કૌભાંડની ઉચ્ચ સ્તરીય તપાસ થવી અનિવાર્ય છે. તેમણે માંગ કરી કે ગુજરાતની તકેદારી આયોગ, દેશની ઉચ્ચ તપાસ એજન્સી સીબીઆઈ અથવા ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશની સીધી દેખરેખ હેઠળ એક તપાસ સમિતિની રચના કરવામાં આવે. જા ભ્રષ્ટાચાર સાબિત થાય તો, જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓને નોકરીમાંથી બરતરફ કરવામાં આવે, કોન્ટ્રાક્ટર એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવામાં આવે અને કર્મચારીઓને મળવાપાત્ર તમામ નાણાં વસૂલ કરીને તેમને ન્યાય મળે.