અભિનેતા કમલ હાસનની ફિલ્મ ‘ધ ઠગ લાઈફ’નો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. કર્ણાટક થિયેટર એસોસિએશને આ ફિલ્મના પ્રદર્શનનો વિરોધ કરતા જૂથો તરફથી મળતી ધમકીઓને ધ્યાનમાં રાખીને સિનેમા હોલ માટે સુરક્ષાની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. અરજદારોએ આ મામલે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. સોમવારે સુપ્રીમ કોર્ટે તેમની અરજી તાત્કાલિક સાંભળવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે પહેલા અરજદારોને હાઇકોર્ટમાં જવાની સલાહ આપી હતી, પરંતુ બચાવ પક્ષના વકીલની દલીલો સાંભળ્યા પછી, શુક્રવારે અરજી પર સુનાવણી કરવા સંમત થયા હતા.
સોમવારે જસ્ટિસ પીકે મિશ્રા અને જસ્ટિસ મનમોહનની બેન્ચે કર્ણાટક થિયેટર એસોસિએશનની અરજી પર સુનાવણી કરી. આ દરમિયાન અરજદારોના વકીલે કહ્યું કે અસામાજિક તત્વો દ્વારા ખુલ્લી ધમકીઓ આપવામાં આવી રહી છે. તેઓ કહી રહ્યા છે કે જા તમિલ ફિલ્મ બતાવવામાં આવશે તો થિયેટરોમાં આગ લગાવવામાં આવશે. તેથી, સુપ્રીમ કોર્ટે અમારી અરજી પર સુનાવણી કરવી જાઈએ.
વકીલની આ દલીલ પર જસ્ટિસ પીકે મિશ્રાએ કહ્યું કે તમે પીઆઈએલમાં કેવી રીતે આવ્યા. તેમણે કહ્યું કે થિયેટરોમાં અગ્નિશામક ઉપકરણો લગાવવા જાઈએ. આ સાથે, કોર્ટે અરજદારોને આ મામલે હાઇકોર્ટમાં જવાની સલાહ આપી. આ અંગે અરજદારના વકીલે દલીલ કરી હતી કે તેમણે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ ત્યાંથી તેમને કોઈ રાહત મળી ન હતી. આ પછી, બેન્ચ શુક્રવારે કેસની સુનાવણી કરવા સંમત થઈ.
પ્રખ્યાત દિગ્દર્શક મણિરત્નમ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ ૫ જૂને કર્ણાટક સિવાય સમગ્ર ભારતમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મના હીરો કમલ હાસન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર કર્ણાટકમાં વિવાદ છે. તેમણે કન્નડ ભાષા વિશે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે કન્નડ ભાષા તમિલ ભાષામાંથી ઉદ્ભવી છે. તેમના નિવેદનનો કર્ણાટકમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. કર્ણાટક હાઈકોર્ટે અભિનેતા કમલ હાસનને તેમની ટિપ્પણી બદલ માફી માંગવા કહ્યું હતું, પરંતુ અભિનેતાએ તેમ કરવાનો ઇનકાર કર્યો હતો.