જામનગરના ધ્રોલમાં રસ્તાની વચ્ચે વીજળીનો થાંભલો હોવા છતાં નવો રસ્તો બનાવવામાં આવ્યો છે. જેના કારણે ત્યાંના લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ધ્રોલના માર્કેટિંગ યાર્ડ પાછળ નદી કિનારે આ નવા આરસીસી રોડનું બાંધકામ ચાલી રહ્યું હતું. પરંતુ નવા બનેલા રસ્તાની વચ્ચે એક વીજળીનો થાંભલો ઉભો જાવા મળ્યો છે. જેના કારણે વાહનચાલકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

તેનાથી પણ વધુ ગંભીર બાબત એ છે કે આ થાંભલા પર સ્ટ્રીટ લાઈટ નથી, જેના કારણે રાત્રે અકસ્માત થવાની ભીતિ રહે છે. નગર પાલિકા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે વીજળીનો થાંભલો દૂર કરવા માટે પીજીવીસીએલ, ધ્રોલ શહેર અને ગ્રામીણ વીજળી વિભાગ બંને વિભાગોને લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પોલ દૂર ન કરવા છતાં, નગર પાલિકાએ જાહેર નાણાંનો બગાડ કર્યો છે અને વીજળીનો થાંભલો હોવા છતાં સીસી રોડ બનાવ્યો છે.

નગર પાલિકા અને પીજીવીસીએલ વચ્ચે યોગ્ય સંકલનના અભાવે જાહેર જનતાના પૈસાનો બગાડ થયો છે. રસ્તાની વચ્ચે વીજળીના થાંભલાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ રસ્તાની જવાબદારી અંગે નગર પાલિકા અને પીજીવીસીએલ વચ્ચે વિવાદ ઉભો થયો છે. નગર પાલિકા દ્વારા પીજીવીસીએલને આપેલા આવેદનપત્રનો કોઈ જવાબ ન મળતાં, નગર પાલિકાએ મંજૂરીની રાહ જાતા નવો સીસી રોડ તૈયાર કર્યો છે. જ્યાં વાહનચાલકોને રાત્રે અકસ્માતનો ભય રહે છે.