ધોરાજી ખાતે નેશનલ હાઈવે પર મોડી રાત્રે પનઘટ હોટલ સામે ગુરુકૃપા ટ્રાવેલ્સની ખાનગી બસ પલટી મારી જતા એક મહિલાનું મોત નિપજ્યું હતું જ્યારે સત્તર લોકોને ઇજા થઇ હતી. ધોરાજીના ફરેણી રોડ પર રહેતા દેવીપૂજક સમાજના પરિવારના સભ્યો પાટણ જિલ્લાના સમી તાલુકાના કુવર ગામે ધાર્મિક વિધિ માટે ગયેલ અને પરત ફરતી વેળા જેતપુર રોડ પર પનઘટ હોટલ સામે ખાનગી બસની એક્સેલ તૂટી જતાં ચાલકે બસ પર કાબુ ગુમાવ્યો હતો. બસમાં ૨૨ મુસાફરો હતા. રાત્રિના સમયે બસ પલટી જતા તાત્કાલિક આસપાસના લોકો દોડી આવ્યા હતા. ૧૦૮ દ્વારા તમામને ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ધોરાજીમાં ૧૭ જેટલા મુસાફરોને સારવાર અપાઈ હતી, જેમાંથી આઠ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે જુનાગઢ રિફર કરાયા હતા અને તેમાં ત્રણ ની હાલત ગંભીર હોવાની તંત્રએ પુષ્ટિ કરી હતી. અત્યંત ગંભીર રીતે ઇજા પામેલ બબીબેન બચુભાઈ કુંવરીયા નામના આધેડ મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.