ધોરાજી શહેરમાં ગઈકાલે ધોધમાર વરસાદ બાદ પંચનાથ શફુરા નદીમાં પાણી ભરાઈ જતાં કોઝવે ઉપરથી પસાર થતી એક કાર પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. કારમાં બેઠેલા જામકંડોરણાના બે યુવાનો હિંમત બતાવી કારમાંથી બહાર નીકળી સલામત બચી ગયા હતા. રાત્રે અંધકાર હોવાને કારણે કારને બહાર કાઢી શકાઈ નહોતી, પરંતુ આજે સવારે નગરપાલિકા સભ્યો, સામાજિક આગેવાનો અને તરવૈયાઓએ ક્રેનની મદદથી ભારે જહેમત બાદ કારને બહાર ખેંચી કાઢી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ પુલ વારંવાર જોખમી બને છે અને અગાઉથી રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. લોકોની માગ છે કે પુલને થોડોક ઊંચો બનાવવામાં આવે જેથી આવાં બનાવો અટકાવી શકાય.