ધોરાજી નગરપાલિકામાં યોજાયેલી સાધારણ સભામાં ભારે હંગામો સર્જાયો હતો. નગરપાલિકાના પ્રમુખ પાયલબેન ધોળકિયાના અધ્યક્ષ સ્થાને ૩૨ મુદ્દાઓ સાથેનું જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં પાંચ નંબરના મુદ્દાથી બોર્ડની શરૂઆત કરવામાં આવતા જ કોંગ્રેસે વિપક્ષ તરીકે વિરોધ નોંધાવી હંગામો કર્યો હતો. ચીફ ઓફિસરને જણાવેલ કે નિયમ મુજબ કાર્યવાહી થતી નથી. એક થી પાંચ એજન્ડાને બાદ કરી જનરલ બોર્ડ શરૂ કરવામાં આવેલ છે. આ મામલે તેમણે જણાવેલ કે બોર્ડના અધ્યક્ષ નગરપાલિકાના પ્રમુખ હોય જેથી એ બાબતે મારે કશું કરવાનું રહેતું નથી. દરેક મુદ્દા પર ચર્ચા કરવાને બદલે બોર્ડમાં પ્રમુખ દ્વારા મુદ્દાઓ વાંચી લેવામાં આવતા વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો અને વિરોધ દર્શાવ્યો હતો. ભારે ગરમાગરમી અને હોબાળા વચ્ચે બોર્ડ બહુમતીના ધોરણે મંજૂર થયું હોવાનું ચીફ ઓફિસર જયમલ મોઢવાડિયાએ જણાવ્યું હતું.