ધોરાજી શહેરમાં બોલિવૂડની આગામી એક્શન ફિલ્મ ‘ફોર્સ ૩’ ના શૂટિંગ માટે જાણીતા અભિનેતા જોન અબ્રાહમ સહિતના કલાકારો અને ટેકનિકલ ટીમનો મોટો કાફલો આવી પહોંચ્યો છે. ફિલ્મની ટીમ દ્વારા ધોરાજીના રેલ્વે સ્ટેશન, ખરાવાડ પ્લોટ અને માતાવાડી પ્લોટ સહિતના વિસ્તારોમાં વિવિધ દ્રશ્યોનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ખરાવાડ પ્લોટમાં જોન અબ્રાહમ અને સહાયક કલાકારો દ્વારા કાર અને બાઈકના જોખમી સ્ટંટના દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા હતા. ફિલ્મની વાર્તા અને દ્રશ્યોની ગોપનીયતા જળવાઈ રહે તે માટે શૂટિંગ યુનિટ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી. શૂટિંગના સ્થળે રસ્તાઓ પર મોટા પડદા લગાવી દેવામાં આવ્યા હતા અને ફોટોગ્રાફી તેમજ વીડિયોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો. આ શૂટિંગને જોવા માટે સ્થાનિક લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી, પરંતુ કડક સુરક્ષા અને ગોપનીયતાને કારણે સામાન્ય લોકો શૂટિંગ નિહાળી શક્યા ન હતા.શૂટિંગ દરમિયાન અભિનેતા જોન અબ્રાહમે ધોરાજી વિભાગીય પોલીસ કચેરીની મુલાકાત લીધી હતી અને ત્યાં હાજર પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે ફિલ્મની સફળતા માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો, જોકે ટીમ દ્વારા પત્રકારોને કોઈ વિગતો આપવામાં આવી ન હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ ધોરાજીમાં વિશ્વવિખ્યાત એપલ કંપનીના આઈફોનની જાહેરાતનું શૂટિંગ પણ પીરખાના કુવા ચોક અને આંબલી કુવા ચોક વિસ્તારમાં કરવામાં આવ્યું હતું, જેના કારણે ધોરાજી હવે ફિલ્મ શૂટિંગ માટે પસંદગીનું કેન્દ્ર બની રહ્યું છે.










































