ધોરાજી ખાતે આગામી ૨૦થી ૨૪/૧૧/૨૫ સુધી પાંચ દિવસનો હઝરત ખ્વાજા મોહકમુદિન સૈરાની સાહેબનો ઉર્ષ શરીફ યોજાઇ રહ્યો છે ત્યારે લોકમેળાને લઈ તંત્ર દ્વારા મેદાન માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પરંતુ લોકમેળા ગ્રાઉન્ડની અપસેટ પ્રાઇસ વધુ હોવાને કારણે કોઈએ પણ ટેન્ડર ભર્યું ન હતું. ત્યારબાદ તંત્ર દ્વારા બીજી વખત પણ રિટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેમ છતાં કોઈએ મેળા માટે ટેન્ડર નહીં ભરતા ઉર્ષના મેળાની ઉજવણી સામે પ્રશ્ન ઊભો થયો હતો. જેથી હજરત ખ્વાજા સાહેબની દરગાહના મુંજાવર અમીન મીયા બાપુ સૈયદ, ઈસ્માઈલ મિયા બાપુ સૈયદ, યાકુબ બાપુ અને આસિત મિયા બાપુ સૈયદ તેમજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા મામલતદાર, પ્રાંત અધિકારી અને સ્થાનિક વહીવટી તંત્રને રજૂઆત કરવામાં આવેલ હતી. જેમાં યોગ્ય નિરાકરણ નહીં આવતા અંતે દરગાહના મુંજાવરો અને આગેવાનો દ્વારા રાજકોટ જિલ્લા કલેકટરને રૂબરૂ લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.