ધોરાજીમાં પૈસાની લેતી-દેતી બાબતે ખૂની ખેલ ખેલાયો હોવાની ગંભીર કિસ્સો સામે આવ્યો છે. આંગડિયામાં આગળ-પાછળ રહેતા પૈસાના હિસાબ અને જૂની અદાવતમાં પાંચ-છ જેટલા શખ્સોએ એક યુવકને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો છે, ત્યારે જાહેરમાં યુવાનની ઘાતકી હત્યાથી પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ છે, જેથી સમગ્ર મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મળતી માહિતી મુજબ, ધોરાજીના આઈ.ટી.આઈ અને ઓવરબ્રિજ નજીક જાહેર માર્ગ પર આ ખૂની ખેલ ખેલાયો છે. રાજકોટની પી.આર. આંગડિયા પેઢીમાં પૈસાના લેતી-દેતી બાબતે આ ભોગ બનનાર યુવક હિમાલય સરૈયાની છેલ્લા કેટલાક સમયથી બબાલ ચાલી રહી હતી, જેણે આજે લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા પી.આર. આંગડિયા પેઢીના માલિક સહિત ૫ થી ૬ શખ્સોએ આ યુવકનું ઢીમ ઢાળી દીધું છે.
ઘટના દરમિયાન હુમલાખોરો સફેદ કલરની ફોરવ્હીલર કારમાં આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પહેલા મૃતકના ભત્રીજાઓ (બાળકો) સાથે માથાકૂટ શરૂ કરી હાથ ઉપાડ્યો હતો. જે બાદ બાળકોએ ફોન કરીને કાકાને બોલાવ્યા હતા. જ્યાં હિમાલય સરૈયા (ઉર્ફે ભોલો કોળી) અને અન્ય સભ્યો રસ્તા પર ખુલાસો પૂછવા ગયા ત્યારે વાતચીત થાય તે પહેલાં જ કારમાંથી ઉતરેલા પાંચ-છ શખ્સોએ કુહાડી અને લાકડી-ધોકા વડે હુમલો કરી દીધો હતો.
આ હુમલામાં હિમાલય સરૈયાને ગળાના ભાગે કુહાડીના ગંભીર ઘા વાગતા તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા અને થોડી વાર તડફડિયા માર્યા બાદ તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે એક વ્યક્તિએ ઈજાઓ પહોંચી છે. હત્યાને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ ઘટનાસ્થળે જ પોતાની ફોરવ્હીલર કાર તેમજ કુહાડી અને ધોકા જેવા હથિયારો મૂકીને નાસી છૂટ્યા હતા.
બનાવની જાણ થતાં જ ધોરાજી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પંચનામું કરી હુમલામાં વપરાયેલી કાર અને લોહીવાળા હથિયારો કબજે કરી લીધા છે અને હાલ પોલીસે મૃતક હિમાલય સરૈયાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, સાથે તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.