ધોરાજી શહેરના પાંચ પીર વાડી વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું દૂષિત પાણી ભળી જવાથી પાણીજન્ય રોગચાળો ફેલાયો છે. છેલ્લા ત્રણ દિવસમાં આ વિસ્તારમાં ઝાડા-ઉલ્ટીના ૩૦થી વધુ દર્દીઓ નોંધાતા આરોગ્ય વિભાગ અને તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ રોગચાળાની ચપેટમાં મહિલાઓ, પુરુષો અને બાળકો પણ આવ્યા છે. ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષકે જણાવ્યું કે, ઝાડા-ઉલ્ટીના કુલ ૩૦ જેટલા કેસ નોંધાયા છે, જેમાંથી ૧૫ જેટલા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અન્ય દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હાલ સાત જેટલા દર્દીઓને રજા આપી દેવાઈ છે. આ રોગચાળાનું ચોક્કસ કારણ જાણવા માટે ૧૨ જેટલા દર્દીઓના લોહી અને યુરિનના સેમ્પલ રાજકોટ પીડીયુ (PDU) ખાતે મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ આવ્યા બાદ વધુ વિગતો મળી શકશે. સિવિલ હોસ્પિટલમાં ૨૪ કલાક ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ ખડેપગે છે અને પર્યાપ્ત દવાઓ પણ ઉપલબ્ધ છે.