ધોરાજી શહેરના પાંચપીર વાડી વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ભૂગર્ભ ગટરનું પાણી ભળી જવાની ગંભીર ઘટનાને પગલે રોગચાળો ફાટી નીકળ્યો છે, જેના કારણે અંદાજિત ૨૦ જેટલા મહિલા-પુરુષોને ઝાડા-ઉલ્ટી થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાતાની સાથે જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ધોરાજી આમ આદમી પાર્ટીના મોગલ દ્વારા આ ઘટના અંગે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમણે આ માટે ધોરાજી નગરપાલિકાને સંપૂર્ણ જવાબદાર ગણાવી છે અને તાત્કાલિક પીવાના પાણીની પાઇપલાઇનનું રિપેરીંગ કરીને લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા કરવાની માંગણી કરી છે. ધોરાજી આરોગ્ય શાખાના બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર પુનિત વાછાણી સહિતની ટીમે આ વિસ્તારમાં તપાસ કરી હતી. તેઓએ પણ પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાથી આ બનાવ બન્યો હોવાનું જણાવી ધોરાજી નગરપાલિકાના અધિકારીઓને જાણ કરી છે. હાલમાં નગરપાલિકાની ટીમ દ્વારા પણ પીવાના પાણીની પાઇપલાઇનમાં ભળતા ગટરના પાણીનો ફોલ્ટ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, અને તાત્કાલિક રિપેરીંગની ખાતરી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારમાંથી પાણીના નમૂના પણ લેવામાં આવ્યા છે.








































