ધોરાજીના આઇકોનિક રોડ તરીકે સરદાર ચોક પાસેનો માર્ગ વિકસાવવામાં આવી રહ્યો છે. જેમનું નામ નિર્મળ પથ આપવામાં આવ્યું છે. એક કરોડ ૬૭ લાખથી વધુ રકમ ખર્ચીને નિર્મળ પથ બનાવવાની કામગીરી તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી છે. નિર્મળ પથનું લોકાર્પણ થાય તે પૂર્વે કોંગ્રેસના આગેવાનોએ રિયાલિટી ચેક કરતા કામમાં બેદરકારી જણાઇ હતી. આ અંગેના એહવાલો અખબાર પત્રમાં પ્રસિદ્ધ થતા બીજા દિવસે જ નિર્મળ પથ પર લીપાપોતી કરવાનું શરૂ થઈ ગયું હતું. નબળી કામગીરીની પોલ પ્રજા સમક્ષ અખબારોના માધ્યમથી છતી થઈ જતા કોન્ટ્રાક્ટરે તાત્કાલિક માણસો મોકલી તેના પર ઢાંકપિછોડો કરવા માટે તાત્કાલિક ધોરણે કામ શરૂ કરાવી દીધું હતું. અને આ સમયે પણ કોંગ્રેસના અગ્રણીઓ દિનેશ વોરા ગોપાલભાઈ સલાટ, ચિરાગભાઈ વોરા સહિતના આગેવાનોએ આઇકોનિક રોડ પર જાતે કામગીરી પર ઉભા રહી અને યોગ્ય કામ થાય તેનું નિરીક્ષણ કર્યું હતું.