ધોરાજીમાં નગરપાલિકા દ્વારા વિતરણ થતાં પીવાના પાણીને લઈને હંમેશાં અલગ અલગ સમસ્યાઓ સર્જાતી રહી છે. ખાસ કરીને ડહોળા અને ગંદા પાણીનું વિતરણ થતી હોવાની ફરિયાદો છાશવારે ઊઠતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત ઉપલેટા રોડ પર નળીયા કોલોની વિસ્તારમાં પીવાના પાણીની સપ્લાય વખતે લોકોના નળમાંથી ગંદુ-ડહોળું અને દુર્ગંધયુક્ત પાણી આવતા લતાવાસીઓમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો. આ મામલે યુવા અગ્રણી અલ્તાફભાઈ ખલીફાએ જણાવ્યું હતું કે, પીવાના પાણીની લાઈન સાથે ડ્રેનેજ ગટરનું પાણી ભળી ગયું હોય તેવું જણાઈ રહ્યું હતું. આર્થિક પછાત અને ગરીબ પરિવારોના વિસ્તારોમાં આ પ્રકારનું પાણી અગાઉ પણ વિતરણ થયું છે. અત્રે નોંધનીય છે થોડા દિવસો પૂર્વે જ પીવાના પાણીની સાથે ગટરલાઈનનું પાણી ભળી જતા ધોરાજીના પાંચ પીરની વાડી વિસ્તારમાં કોલેરા ફાટી નીકળતા તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને જિલ્લા તંત્ર દ્વારા આ વિસ્તારને જાહેરનામું બહાર પાડી કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો હતો. ધોરાજી શહેર કોંગ્રેસના પ્રમુખ દિનેશભાઈ વોરાએ મીડિયા સમક્ષ જણાવેલ નગરપાલિકા દ્વારા નિયમિત અને સુચાર રૂપે પાણી વિતરણ થતું નથી અને ગંદુ ડહોળું અને દુર્ગંધયુક્ત પાણી આપવામાં આવે ત્યારે લોકોના જનઆરોગ્ય સામે મોટો ખતરો સર્જાઈ રહ્યો છે.