ધોરાજી તાલુકાના તોરણીયા ધામ ગામે નકલી વિદેશી દારૂ બનાવનારા બે ઇસમોને રૂ. સાડા ત્રણ લાખના મુદામાલ સાથે લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્‌યા હતા. એલસીબી પીઆઇ વી. વી. ઓડેદરા, પીએસઆઈ એચ. સી. ગોહિલ, આર. વી. ભીમાણી સહિત સ્ટાફને મળેલ બાતમીના આધારે સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના પેટ્રોલિંગ દરમિયાન સિમ વિસ્તારમાં કાંતિભાઈ રવજીભાઈ બાબરીયાની વાડીની ઓરડીમાંથી ભારતીય બનાવટના ઈંગ્લિશ દારૂની ડુપ્લીકેટ બનાવટનો મુદામાલ મળી આવ્યો હતો. જેમાં ખાલી બોટલો, સ્ટીકર્સ, દારૂ બનાવવા માટેના કેમિકલ ભરેલા બેરલ, મોબાઈલ મળી કુલ રૂ. ૩,૪૦,૩૩૫/- ના મુદામાલ સાથે વાડી માલિક કાંતિલાલ રવજીભાઈ બાબરીયા (રે. મોટી પરબડી) અને ચેતન રાજુભાઇ દેલવાડિયા (રે. તોરણીયા)ને ઝડપી લેવાયા હતા. જ્યારે આ ગુનામાં જુનાગઢના જોષીપુરા ખાતે રહેતા સતિષ ક્યાડાનું નામ આરોપી તરીકે ખુલતા તેની અટકાયત કરવા ધોરાજી તાલુકા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.