ધોરાજીના જેતપુર રોડ પર નેશનલ હાઈવે નજીક આવેલી પનઘટ હોટલ પાસે એક યુવાનનું ગંભીર વાહન અકસ્માતમાં મોત થયું છે. મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના લખનઉનો રહેવાસી ગોવિંદ ઇમાન થાપા (નિલમથા) નામનો ૨૦ વર્ષીય યુવાન પનઘટ હોટલમાં કામ કરતો હતો. શુક્રવારે સાંજે તે કામ પરથી નીકળી રહ્યો હતો ત્યારે એક અજાણ્યા ડમ્પરચાલકે તેને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં તેને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ ધોરાજી તાલુકા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. અજાણ્યા ડમ્પરચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.