ધોરાજી શહેરમાં રખડતા આખલાઓ, પશુઓ અને કૂતરાઓના વધતા ત્રાસથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગતરોજ શહેરના મુખ્ય ગણાતા ગેલેક્સી ચોક, ત્રણ દરવાજા, ગાંધી ચોક અને જેતપુર રોડ જેવા ભરચક વિસ્તારોમાં આખલાઓ વચ્ચે ભીષણ યુદ્ધ સર્જાયું હતું. આ આખલા યુદ્ધને કારણે રસ્તા પર પસાર થતા લોકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો હતો અને નાસભાગ મચી ગઈ હતી. આ અફરાતફરી દરમિયાન આખલાઓએ એક સાયકલ ચાલક અને બાઈક સવારને હડફેટે લેતા તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. રખડતા પશુઓ અને શ્વાનોને નાથવામાં ધોરાજી નગરપાલિકા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું હોવાનું સામે આવ્યું છે. પાલિકા પાસે આવા પશુઓને પૂરવા માટે જરૂરી માળખાગત સુવિધાઓનો અભાવ હોવાથી લોકો લાચારી અનુભવી રહ્યા છે. તંત્રની આ ઘોર બેદરકારી અને યોગ્ય આયોજનના અભાવે અવારનવાર સર્જાતી આવી દુર્ઘટનાઓને પગલે સ્થાનિક રહીશોમાં પાલિકા શાસકો સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ, નગરપાલિકા દ્વારા હાલ ઉપલેટા રોડ પર નવા પશુવાડાનું નિર્માણ કરવામાં આવી રહ્યું હોવાની જાણકારી મળી છે. સ્થાનિકો આશા સેવી રહ્યા છે કે આ પશુવાડો તૈયાર થયા બાદ શહેરને રખડતા ઢોરની વર્ષો જૂની અને ગંભીર સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે.









































