ધોરાજી શહેરમાં પાણીની વિકટ સમસ્યાને કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કૈલાશ નગર પાસે આવેલ ખોડિયાર નગર વિસ્તારના રહીશો છેલ્લા ૨૨ દિવસથી પાણી વિહોણા છે. પાઈપલાઈનમાં ખામી સર્જાઈ હોવાને કારણે નગરપાલિકા દ્વારા અહીં પાણી પૂરું પાડી શકાયું નથી. વોટર વર્કસ વિભાગ દ્વારા ફોલ્ટ શોધવાની કામગીરી ચાલી રહી હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ ૨૨ દિવસ વીતી જવા છતાં હજુ સુધી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. ધોરાજીમાં સામાન્ય રીતે દર ચાર દિવસે પાણી આપવામાં આવે છે, પરંતુ હાલ ઉનાળાના સમયે આયોજનના અભાવે લોકોને ૬ થી ૮ દિવસે માંડ પાણી મળી રહ્યું છે. શહેરને પાણી પૂરું પાડતા ફોફળ ડેમમાં પૂરતો જથ્થો હોવા છતાં પાલિકાના નબળા સંચાલનને કારણે લોકોને ધોમધખતા ઉનાળામાં હાલાકી ભોગવવી પડી રહી છે. આ ઉપરાંત, જે પાણી વિતરણ કરવામાં આવે છે તે પણ ગંદુ અને ડહોળું હોવાની ફરિયાદો ઉઠી છે.આ મામલે વિપક્ષના નેતા દિનેશભાઈ વોરાએ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી પૂર્વે ભાજપના અગ્રણીઓએ એકાતરા પાણી વિતરણના જે વચનો આપ્યા હતા તે પોકળ સાબિત થયા છે. એકાતરા પાણી તો દૂર રહ્યું, પરંતુ લોકોને આઠ-આઠ દિવસે ગંદુ પાણી મળી રહ્યું છે. શાસકોને પ્રજાની કોઈ ચિંતા ન હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. હાલમાં અનિયમિત પાણી સપ્લાય અને પાઈપલાઈનના ફોલ્ટને કારણે ધોરાજીની જનતામાં નગરપાલિકા અને શાસકો સામે રોષની લાગણી પ્રબળ બની છે.








































