હોળી અને ધૂળેટીના આગામી તહેવારો દરમિયાન મુસાફરોની ભારે ભીડને પહોંચી વળવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કમર કસવામાં આવી છે. આ આયોજનના ભાગરૂપે અમરેલી એસ.ટી. ડિવિઝન સહિત રાજ્યના વિવિધ કેન્દ્રો પરથી વધારાની બસો દોડાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ અંગે વિભાગીય નિયામક ભાવેશ પટેલે જણાવ્યું હતું કે, હોળી-ધૂળેટીના પર્વ પર સૌરાષ્ટ્ર અને ખાસ કરીને અમરેલી જિલ્લામાંથી હજારો લોકો રોજગારી કે અન્ય કામ અર્થે અન્ય શહેરોમાં વસતા હોય છે. આ લોકો તહેવાર મનાવવા વતન પરત ફરે છે, જેના કારણે એસ.ટી. બસોમાં ટ્રાફિકનું ભારણ વધી જાય છે. આ ભીડને ધ્યાનમાં રાખીને અમરેલીથી ખાસ કરીને ગોધરા, દાહોદ, ઝાલોદ અને છોટાઉદેપુર, અમદાવાદ જેવા શહેરો તરફ જનારા શ્રમિકો અને મુસાફરો માટે વિશેષ બસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે અત્યારથી જ આ બસ ધીમે-ધીમે શરૂ કરવામાં આવી છે પરંતુ વધુમાં આ વિશેષ સેવાઓ ૨૭ ફેબ્રુઆરીથી ૫ માર્ચ ૨૦૨૬ દરમિયાન કાર્યરત રહેશે.
ઓનલાઇન બુકિંગ અને હેલ્પલાઇનથી મુસાફરોને બસ સ્ટેન્ડ પર લાંબી કતારોમાં ઉભા રહેવું ન પડે તે માટે એસ.ટી. નિગમે ઓનલાઇન બુકિંગ પર ભાર મૂક્યો છે. મુસાફરો GSRTCની વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન દ્વારા એડવાન્સ બુકિંગ કરાવી શકશે. કોઈપણ મુશ્કેલી કે પૂછપરછ માટે મુસાફરો નિગમના ટોલ-ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ પર ૨૪ કલાક સંપર્ક કરી શકે છે. અમરેલી એસ.ટી. ડિવિઝનના આ આગોતરા આયોજનથી મુસાફરો ખાનગી ટ્રાવેલ્સના ઊંચા ભાડા અને હાલાકીથી બચી શકશે.