ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની ખરીદીનો વિધિવત પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ ખેડૂતો પોતાના ટ્રક, ટ્રેક્ટર અને રીક્ષા મારફત કપાસ લઈને યાર્ડ પહોંચ્યા હતા. કપાસની ખરીદી માટે વેપારીઓ પણ માર્કેટિંગ યાર્ડ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીના જણાવ્યા અનુસાર, ૬૦૦ મણ કરતાં પણ વધારે કપાસની આવક ધારી યાર્ડ ખાતે થઈ છે. હજુ પણ ખેડૂતો કપાસ લઈને યાર્ડ પહોંચી રહ્યા છે. સારા કપાસ માટે ૯૦૦ રૂપિયાથી લઈને ૧૪૨૦ રૂપિયા સુધીની બોલીઓ લગાવવામાં આવી હતી. યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી પહેલેથી જ ચાલુ છે. ત્યારે કપાસની ખરીદી પણ શરૂ થતાં ધારી તાલુકાના ખેડૂતો અને વેપારીઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી.