ગીર વિસ્તારમાં આવેલા દલખાણીયા ગામને જોડતો ધારી-દલખાણીયા રોડ (જે સરકારી ચોપડે ૩૩ નંબરનો હાઈવે દર્શાવે છે) હાલ રોડ જેવો રહ્યો નથી. આ રસ્તા પર ચાર-ચાર ફૂટના વિશાળ ખાડા પડી ગયા છે, જેને કારણે વાહન વ્યવહાર અત્યંત મુશ્કેલ બન્યો છે. એક તરફ ધારી-કુબડા-ગોવિંદપુર-પેવર પટ્ટી રોડ જેવા અન્ય રસ્તાઓ બની ગયા છે, ત્યારે ધારીથી દલખાણીયા ગામના રોડના નિર્માણ અંગે હજી કોઈ ઠેકાણા નથી, જે ‘એકને ગોળ અને એકને ખોળ’ જેવી સ્થિતિ સર્જી રહ્યું છે. ગ્રામજનો દ્વારા ધારી-દલખાણીયા રોડનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવા માટે માંગણી કરવામાં આવી છે.
આ ઉપરાંત, દલખાણીયા ગામને એક પણ એસ.ટી. બસની સુવિધા સંપૂર્ણપણે મળતી નથી. કોડીનાર ડેપો દ્વારા અમરેલી-કોડીનારથી બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે ઉપડતી બસ (વાયા જામવાળા, દલખાણીયા, ચલાલા) શરૂ કરવા માટે અનેક માંગણીઓ અને રજૂઆતો કરવા છતાં આ બસ હજી સુધી ચાલુ કરવામાં આવી નથી. ગ્રામજનોની માંગ છે કે, આ બન્ને પ્રશ્નોનો તાત્કાલિક ધોરણે હલ મળે અને તેમને રાહત થાય.