અમરેલી જિલ્લાના ફૂડ વિભાગ દ્વારા ધારી તાલુકામાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિવિધ રેસ્ટોરન્ટ, હોટલ અને ફાર્મ હાઉસોમાં વ્યાપક ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી ફૂડ ઇન્સ્પેક્ટર કલસરિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખોરાકમાં ઉપયોગમાં લેવાતા કાચા માલની ગુણવત્તા, સ્વચ્છતા, સંગ્રહ પદ્ધતિ તેમજ અન્ય જરૂરી નિયમોનું પાલન થાય છે કે નહીં તેની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. ધારીની વિવિધ હોટલોમાંથી ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલા આ નમૂનાઓને ચકાસણી માટે માન્ય લેબોરેટરીમાં મોકલવામાં આવશે. ફૂડ ઇન્સ્પેક્ટર કલસરિયાએ જણાવ્યું હતું કે લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.










































