ધારી તાલુકાના મોણવેલ ગામે વાડીના રસ્તા અને પાણીની પાઈપલાઈનના નજીવા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બનાવમાં બે આરોપીઓએ એક ખેડૂત પર કુહાડી અને પાવડાના હાથા વડે હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મથુરભાઈ વિરજીભાઈ ગોંડલીયાએ વિનુભાઈ શંભુભાઈ ગોંડલીયા તથા વિઠ્ઠલભાઈ શંભુભાઈ ગોંડલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમની અને આરોપી વચ્ચે લાંબા સમયથી તેમની વાડીના રસ્તા બાબતે માથાકૂટ ચાલતી હતી. તેમજ વિનુભાઈ શંભુભાઈ ગોંડલીયા દ્વારા તેમની વાડીમાંથી નાખવામાં આવેલી પાણીની પાઈપલાઈન બાબતે મનદુઃખ ચાલતું હતું. આ પાઈપલાઈન વારંવાર તૂટી જતી હોવાથી તેઓ સતત આરોપીને પાઈપલાઈન જમીનમાં વ્યવસ્થિત અને ઊંડી નાખવા માટે જણાવી રહ્યા હતા. આ જ બાબતનું મનદુઃખ રાખીને તેઓ જ્યારે તેમની વાડીએ હાજર હતા, ત્યારે આરોપીએ આવીને તેને જેમ ફાવે તેમ ગાળો ભાંડીને તેના હાથમાં રહેલી કુહાડીનો એક ઘા ડાબા હાથના કાંડા પર માર્યો હતો. જેનાથી તેને મુંઢ ઈજા થઈ હતી અને તેઓ નીચે પડી ગયા હતા. જ્યારે વિઠ્ઠલભાઈ શંભુભાઈ ગોંડલીયાએ પોતાના હાથમાં રહેલા પાવડાના હાથા વડે ફરિયાદીના જમણા પગના ઘૂંટણના ભાગે એક ઘા મારીને ઈજા પહોંચાડી હતી. બંને આરોપીઓએ ભેગા મળીને કુહાડી અને પાવડા વડે ફરિયાદીના છાતીના ભાગે પણ મુંઢ ઈજાઓ પહોંચાડી હતી. આટલું જ નહીં, આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.







































