ધારી-ચલાલા રોડ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધારીથી ચલાલા તરફ જઈ રહેલા રાણાભાઇ દુદાભાઈ કુકડ (ઉંમર ૬૫ વર્ષ) નામના વૃદ્ધની મોટરસાઇકલને ગાયત્રી કોલેજ સામે એક છોટા હાથી ટેમ્પોએ જોરદાર હડફેટે લીધી હતી. આ અકસ્માતમાં રાણાભાઇને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ચલાલા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ ચલાલા પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી કુકડ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.





































