ધારીમાં ‘સેવા પરમો ધર્મ’ના સૂત્રને સાર્થક કરતો એક ભવ્ય સાધન સહાય કેમ્પ યોજાયો હતો. ભારત વિકાસ પરિષદ અને વિકલાંગ કેન્દ્ર (પાલડી)ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ૫૦થી વધુ જરૂરિયાતમંદ દિવ્યાંગોને વ્હીલ ચેર, કૃત્રિમ પગ, કેલિપર્સ, વોકર અને ઘોડી જેવા સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં માનવ મંદિરના પૂજ્ય ભક્તિરામ બાપુ અને સ્વામિનારાયણ મંદિરના સંતોએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. ગુજરાત પ્રાંતના પ્રમુખ પ્રકાશભાઈ કસવાળાએ સંસ્થાની રાષ્ટ્રનિર્માણની પ્રવૃત્તિઓ જણાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા કમલેશભાઈ કકાણી, નરેશભાઈ ગોંડલીયા અને ધીરુભાઈ કાનાણી સહિતના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ ભગીરથ કાર્યમાં સ્થાનિક માર્ગદર્શક કેતનભાઈ ધકાણ તેમજ ચિરાગભાઈ પરમાર અને તેમની ટીમનો અભૂતપૂર્વ સહયોગ રહ્યો હતો.