ધારીના મોણવેલ ગામે ફોર વ્હીલ હટાવાનું કહેતા બે પક્ષોમાં બબાલ થઈ હતી. બંને પક્ષોએ સામ સામી ફરિયાદ નોંધાવી હતી. દિપુભાઈ વાસાભાઈ વાળા (ઉ.વ.૫૨)એ જેનીલભાઈ ધનજીભાઈ ડાવરા, ધનજીભાઈ મનજીભાઈ ડાવરા સહિત છ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. દિપુભાઈ તેમના ઘરે હાજર હતા ત્યારે તેમના ભાઈ બહાદુરભાઈ પોતાની ફોરવ્હીલ લઈને જુના ઘરેથી નવા ઘરે જઈ રહ્યા હતા. મોણવેલ ગામે હનુમાનજીના મંદિર પાસે એક ફોર્ચ્યુનર ગાડી રોડની વચ્ચે ઊભી હતી. બહાદુરભાઈએ તે વાહન હટાવવા જણાવ્યું હતું. જેથી જેનીલભાઈ ડાવરા ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલી મારવા દોડ્યા હતા. તેઓ આરોપીને સમજાવવા ગયા ત્યારે અન્ય આરોપીઓ પણ ત્યાં આવી પહોંચ્યા. તમામ આરોપીઓએ એક ટોળકી બનાવી, ઘાતક હથિયારો સાથે ફરિયાદીના મકાન પાસે આવી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. ઉપરાંત તેમને અને સાહેદોને આડેધડ માર મારવાનું શરૂ કર્યું હતું.લોખંડનો પાઈપ તેમના માથામાં મારતા તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ત્યારબાદ, અન્ય આરોપીઓએ પણ ફરિયાદીની પીઠ પર લોખંડના પાઈપના ઘા માર્યા, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતો.આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જે બાદ મનસુખભાઈ મનજીભાઈ ડાવરા (ઉ.વ.૫૫) એ બહાદુરભાઇ, દીપભાઇ વાસાભાઇ, કુલદીપભાઇ વલકુભાઇ, ધમો દીપભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મનસુખભાઈ ડાવરાના ભત્રીજા જેનીલભાઈ રાત્રે સવા બારેક વાગ્યે મોણવેલ ગામે હનુમાનજીના મંદિર પાસે બેઠા હતા. તે સમયે આરોપી ત્યાં આવ્યો અને કોઈ પણ કારણ વગર જેનીલભાઈને ગાળો આપી, અહીં ન બેસવા જણાવ્યું. થોડીવાર બાદ એક ફોરવ્હીલ કારમાં અન્ય ત્રણ આરોપીઓ ત્યાં પહોંચ્યા હતા. અને જેનીલભાઈને ગાળો આપી માર માર્યો હતો. આ ઘટના બનતા ગામના ઘણા લોકો ભેગા થઈ ગયા. લોકોનું ટોળું જોઈને તમામ આરોપીઓ પોતાની કાર લઈને ત્યાંથી નાસી છૂટ્યા હતા.ઇજાગ્રસ્ત મનસુખભાઈ અને તેમના ભત્રીજા જેનીલભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત પહેલા ધારી અને ત્યારબાદ અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા. મનસુખભાઈના માથાના ભાગે ચાર ટાંકા આવ્યા હતા અને શરીર પર અન્ય મુંઢ ઇજાઓ પણ થઈ હતી. પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધારી પોલીસ સ્ટેશનના એએસઆઈ આર બી શમા વધુ તપાસ કરી રહ્યા છે.