ધારીના પ્રેમપરામાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. લગ્ન બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી ફફડી ઉઠેલી શોભાહેન રમેશભાઈ બજાણીયા (ઉ.વ.૪૦)એ ૪ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ફરિયાદીના દીકરા સાહેદ મયુરભાઇની સગાઇ આરોપીના બહેન સોનલબેન સાથે નકકી થઈ હતી. ફરિયાદી તથા સાહેદ રમેશભાઇ અવાર-નવાર પોતાના દીકરા મયુરભાઇના લગ્ન કરી આપવાનું કહેતા લગ્ન કરી આપતા નહોતા. જેથી મયુરભાઇ તથા સોનલબેન કોઇને કહ્યા વગર કયાંક નીકળી ગયા હતા. જે વાતનું મનદુઃખ રાખી સાહેદ સોનલબેનના ભાઇઓ (આરોપીઓ) તેના રહેણાંક મકાને આવ્યા હતા. તેમને તથા ઇજાપામનાર સાહેદ રમેશભાઇ બજાણીયાને “કયાં છે તારો દિકરો? મારી બહેનને તેની સાથે લઇ ગયેલ છે” મારી બહેનને પરત આપી દો નહીતર બધાને મારી નાખવા પડશે તેમ કહી ગાળો બોલવા લાગ્યા હતા. ઇજાપામનાર સાહેદ રમેશભાઇ આરોપીઓને સમજાવવા જતા આરોપીએ તેમના ફળીયામાં પડેલી લોખંડની મોટી રાપ લઇ સાહેદ રમેશભાઇને મારી નાખવાના ઇરાદે માથાના ભાગે આડેધડ ઘા મારવા લાગ્યા હતા. જેથી સાહેદ રમેશભાઇએ બચાવ માટે તેનો ડાબો હાથ આડો કરતા તેના ડાબા હાથમાં પણ જોરથી રાપનો એક ઘા માર્યો હતો. આ સમયે તેઓ સાહેદને બચાવવા આડા પડતા અન્ય આરોપીએ તેની સાથે લાવેલી લોખંડની પાઇપથી તેને માથાના ભાગે, મારી નાખવાના ઇરાદે આડેધડ ઘા મારવા લાગ્યા હતા. જેથી તેમણે આરોપીના હાથમાંથી લોખંડનો પાઇપ ખેચી લેતા આરોપીએ તેની કમરમાંથી છરી કાઢી ડાબા ગાલ ઉપર ઘા મારતાં તેઓ તથા સાહેદ જમીન ઉપર પડી ગયા હતા. તેમની દિકરીઓ સાહેદ ધર્મીષ્ઠાબેન તથા પાયલબેન વચ્ચે પડતાં તેમને તથા સાહેદને છોડાવવા જતા બન્ને આરોપીઓએ તેઓને મુંઢમાર માર્યો હતો. જે દરમિયાન રાડારાડ થતા બન્ને આરોપીઓ તેમના રહેણાંક મકાન બહાર નીકળી તેમના મોટરસાયકલને નુકસાન કર્યું હતું. તેમજ જતા જતા તેમને તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.