ધારી તાલુકાના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અને નિયમિત વીજ પુરવઠો મળી રહે તે હેતુથી દલખાણીયા ગામમાં મહત્વનું કાર્ય કરવામાં આવ્યું હતું. દલખાણીયા સ્થિત ૬૬ KV સબસ્ટેશનમાંથી નીકળતા શેમરડી ૧૧ KV ખેતીવાડી ફિડર પરના લોડિંગની સમસ્યાને દૂર કરવા માટે તેનું બાયફ્રગેશન કરીને નવું ૧૧ KV પાણીયા છય્ ખેતીવાડી ફિડર ધારીના ધારાસભ્ય જે.વી. કાકડીયાના વરદ હસ્તે ચાલુ કરવામાં આવ્યું હતું.
આ નવા ફિડરના શરૂ થવાથી શેમરડી ફિડર પરનો વીજ ભાર ઘટશે, જેના પરિણામે બંને ફિડર પરના ખેડૂતોને નિયમિત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી શકશે. આ પ્રસંગે ધારી તાલુકા પંચાયત અને ભાજપના આગેવાનો, હોદ્દેદારો, ધારી પીજીવીસીએલના નાયબ એન્જિનિયર કે.એસ. વાળા તેમજ અન્ય મહાનુભાવો અને દલખાણીયા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.







































