દીપાવલીના પાવન અવસર પર ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. ડબલ એન્જિન સરકારની સિદ્ધિઓ સાથે કાર્યકર્તાઓને મળવાનો અવસર લાઠી ખાતે યોજવામાં આવેલ હતો. લાઠી-બાબરા વિધાનસભા બેઠકના કાર્યકર્તા સ્નેહમિલન સમારોહમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, સાંસદ ભરતભાઈ સુતરીયા, વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય જે.વી.કાકડીયા સહિત લાઠી બાબરા વિધાનસભાના કાર્યકર્તાઓ મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કાર્યકર્તાઓને એકજૂથ રહીને ભાજપ સદસ્યતા અભિયાનને પણ વધુ વેગ મળે તે અંગે નેતાઓએ ભાર મૂક્યો હતો. દિલીપભાઈ સંઘાણી અને રાજકોટના સાંસદ પરષોત્તમભાઈ રૂપાલાએ કાર્યકર્તાઓને સેવાથી સર્વશ્રેષ્ઠ બનવા તરફની વાત કરી હતી. લાઠી-બાબરા વિધાનસભા બેઠકના એક હજાર કાર્યકર્તાઓના સ્નેહમિલન કાર્યક્રમમાં કાર્યકર્તાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ૨૦૪૭ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો હોવાનું ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું.