“તો.. ઓ..! આજે એમની સાથે કંઈ વાત થઈ..? ”
મનસુખે વાત કઢાવવાની કોશિશ કરી.
” ના ભાઈ..! આજે કામકાજના ચક્કરમાં. ”
” હા પણ..! હાય.. હલ્લો..! તો થયું હશે ને? ”
” ના, ખાલી સ્મિતથી જ ચલાવી લીધું.”
હોઠમાં હસતા હસતા ધનસુખે જવાબ આપ્યો.
“આ હસવામાથી થોડું થોડું આગળ ખસવું તો જોઈએ ને..! ”
” પણ.. ભાઈ..! મને બીક લાગે છે કે.., ક્યાંક હસવામાંથી ખસવું ના થઈ જાય. ”
” કેમ કેમ..! તું આવું બોલે છે..? ”
મનસુખને ચિંતા થઈ.
“ભાઈ..! એના દીલમાં મારા માટે શું છે..? એ તો એ જ જાણે છે. એ કોણ છે? ક્યાંની? એના મા બાપ કોણ છે? અને ક્યાં રહે છે..? એ બાબત કશી જ જાણ નથી. ”
” હવે તું ચિંતા શા માટે કરે છે? હું છું ને..! બધું જ બરાબર થશે. ”
મનસુખાએ એમને સાંત્વના આપી.
“હા પણ..! એ ના પાડશે તો..? એના મા બાપ ના પાડશે તો..? તો પછી… ”
” તું નાહકનો આટલો ગભરાય છે..! જો પ્રેમમાં પડવું હોય ને તો પરિણામની પરવા ના કરવી..! પ્રેમમાં પરિણામ શૂન્ય પણ આવે અને સો માંથી સો પણ આવે. બસ, શરત એટલી કે.., દાખલો ગણે રાખવો પડે.”
“ભાઈ..! એક વાત પુછું..? ”
” બોલને.., શું વાત છે..? ”
” તમે ક્યારેય આવો દાખલો ગણ્યો છે..? ”
” હું ક્યાં આટલું બધું ભણ્યો છું, કે.., મને આવો અઘરો દાખલો આવડે. ”
કહેતાં ‘ક ને એમણે મોઢું ફેરવી લીધું.
ધનસુખ સમજી ગયો કે.., દાળમાં કંઈક કાળું છે, પણ.. હવે ભાઈની દુઃખતી રગ હવે દબાવવી નથી.
“હેં ભાઈ એ તો કહે કે.., મોતીકાકા અને કાકી શું કરે છે? અને પેલો.. નયન. નયનના તો હવે લગ્ન થઈ ગયા હશે ને..? તમે તો એમની જાનમાંય ગયા હશો નહીં..!?”
ધનસુખને ક્યાં ખબર હતી કે.., એમણે ઓછી દુઃખતી રગ છોડીને વધારે દુઃખતી રગ ઉપર પગ મૂકી દીધો છે.
છતાંય ધનસુખે સમય પ્રમાણે સઢ ચડાવી દીધો.
” હા.. હો..! નયનના લગ્ન થઈ ગયા અને હું જાનમાંય જઈ આવ્યો. કાકા.. કાકીને હવે લીલાલહેર છે.
બસ..! હવે તારી જાનમાં જવાની ઈચ્છા છે. જાન તો જોડીશ ને..!?”
ધનસુખ શરમથી પાણી પાણી થઈ ગયો.
“પણ હા.. ધનસુખ..! ધારી લે કે.. તારી જાન જોડવાની થઈ..! તો.. તું.. બા બાપુજીને બોલાવીશ કે નહીં..??”
ધનસુખે ગંભીર થઈ એક વાત કહી.
” ભાઈ..! તને લાગે છે કે..! બા બાપુજી, એ નક્કી કરી શક્યાં છે.? કે.., પહેલાં લગ્ન અને પછી પ્રેમ અથવા પહેલાં પ્રેમ અને પછી લગ્ન.”
“અરે.. મારા ભાઈ..! આ પ્રોબ્લેમ આપણા એકનો નથી..! આખેઆખા સમાજનો આજ પ્રશ્ન છે. પહેલા લગ્ન કે પહેલા પ્રેમ..?
અને મોટાભાગના મા બાપો હજી એ નક્કી નથી કરી શક્યા કે.., પહેલા લગ્ન અને પછી પ્રેમ આ નિર્ણય ખરો છે..? કે પહેલા પ્રેમ પછી લગ્ન એ નિર્ણય ખરો છે..?
પણ એક વાત ખરી છે. ભાઈ..! પહેલાં લગ્ન કરે.પછી પ્રેમ થાય તો સારી વાત છે. નહીંતર પ્રેમ વગર પણ એ કહ્યાગરા છોકરાં છોકરી જીવન જીવી જાય છે. આંખોને ગમે એ અને એનો પ્રેમ કદાચ..! ના પણ મળે. પણ.. હા..! તમને મળે એને ગમતું કરી પ્રેમ કરો. આ પ્રેમ જ જીવન જીવવાની જીજીવિષા ઉત્પન્ન કરશે અને જીવન જીવી જવાશે. બાકી.., પહેલા પ્રેમ પછી લગ્ન. આવા હજારો કજોડાઓ સહનશક્તિના સીમાડે ઊભા રહીને ક્યાંક ને ક્યાંક કૂદી જતા હોય છે.
ચાલ હવે વધારે વિચાર કર્યા વગર સુઈ જા. સવારે વહેલાં ઊઠવાનું છે. આજની જેમ મોડું ના કરતો. મારે પણ ઓફિસમાં આવવાનું છે ને..!!”
જેવાં બન્ને પથારીમાં આડા પડ્‌યા એવી જ સવાર થઈ ગઈ. ન્હાઈ ધોઈને ચા નાસ્તો પતાવીને ઉપડયાં ઓફિસ.
ધનસુખને આજે અજીબ અકળામણનો અનુભવ થઈ રહ્યો હતો. પરસેવો આપોઆપ આવી રહ્યો હતો.
ઓફિસમાં પહોંચતાં જ એમના ટેબલ પર નજર કરી. ખુરશી ખાલી હતી. એમને ધ્રાસ્કો પડ્‌યો. ધનસુખે સ્ટાફ સહિત બોસ સાથે પણ મનસુખની ઓળખાણ કરાવી. પણ..! મેડમ કેમ નથી..? એ પ્રશ્ન એમને અકળાવી રહ્યો હતો. જ્યારે ખબર પડી કે.., મેડમ તો અર્ધી રજા ઉપર છે. એકસાથે બધી જ હવા ફૂ.. છ… છ…! થઈ ગઈ. માંડ માંડ બપોર પડયું. જેવી મેડમે એન્ટ્રી કરી..! ધનસુખે મનસુખને ઇશારો કર્યો..!
મનસુખથી એટલું જ બોલાયું..
તું… ઉં.. ઉં…! અહીં..!?? (ક્રમશઃ)