ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ દ્વારા સ્વાસ્થ્ય કારણોસર પદ પરથી રાજીનામું આપ્યાના એક દિવસ પછી, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે આજે ગૃહની સવારની કાર્યવાહીનું અધ્યક્ષપદ સંભાળ્યું. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના પદાધિકારી હોય છે. સામાન્ય રીતે ધનખડ દિવસની શરૂઆતમાં રાજ્યસભાની કાર્યવાહીનું અધ્યક્ષપદ સંભાળતા હતા. ધનખડે સોમવારે સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું મોકલ્યું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલેલા રાજીનામા પત્રમાં, ધનખડે કહ્યું કે તેઓ “આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપવા” માટે તાત્કાલિક અસરથી પદ છોડી રહ્યા છે. ધનખડે રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં કહ્યું, “આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપવા અને તબીબી સલાહનું પાલન કરવા માટે, હું બંધારણની કલમ ૬૭ (એ) અનુસાર તાત્કાલિક અસરથી ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.” કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં રાજીનામું આપ્યું

ધનખડ (૭૪) એ ઓગસ્ટ ૨૦૨૨ માં ઉપરાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો અને તેમનો કાર્યકાળ ૨૦૨૭ સુધીનો હતો. રાજ્યસભાના અધ્યક્ષ ધનખડનું રાજીનામું સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે આવ્યું હતું. તાજેતરમાં જ તેમણે દિલ્હીમાં ઓલ ઈન્ડીયા ઇન્સીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) ખાતે એન્જીયોપ્લાસ્ટી કરાવી હતી અને આ વર્ષે માર્ચમાં થોડા દિવસો માટે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.